અમરેલીની તમામ ૧૧ તાલુકા પંચાયત કોંગ્રેસે કબજે કરી.
અમરેલીની કુલ ૧૧ તાલુકા પંચાયત માંથી ૯ કોંગ્રેસ પાસે હતી અને એમાંથી ૭ કોંગ્રેસે બિનહરીફ કરાવી હતી અને બાકી ૨ પર જીત મેળવેલી હતી તેમજ ભાજપ પાસે ૨ તાલુકા પંચાયત જાફરાબાદ અને રાજુલા હતી પરંતુ આજે કોંગ્રેસે રાજુલા અને જાફરાબાદ બંને તાલુકા પંચાયત ભાજપ પાસેથી આંચકી લઈને અગિયારે અગિયાર તાલુકા પંચાયત પર સત્તા જમાવી દીધી છે.
આ સાથેજ અમરેલીથી વિપક્ષના નેતા પરેશ ધાનાણી મજબુતાઈથી ઉભરીને આવી રહ્યા છે. બળવાખોરીના કારણે અમરેલીની ૩ નગરપાલિકા કોંગ્રેસે ગુમાવ્યા બાદ તાલુકા અને જીલ્લા પંચાયત પર સત્તા જાળવી રાખવાની જવાબદારી નેતા વિપક્ષની હતી અને તેમના પર સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ પરેશ ધાનાણીએ ખુદ તમામ તાલુકા પંચાયતો ગોઠવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું અને જે બે તાલુકા પંચાયત ભાજપ પાસે હતી તેમાં પણ અસંતુષ્ટ સભ્યોને સાથે લઈને કોંગ્રેસને સત્તાનું સુકાન અપાવ્યું હતું. આમ ખુદ વિપક્ષ નેતા એ જાતે ધ્યાન આપીને અગિયારે અગિયાર તાલુકા પંચાયત માં કોંગ્રેસને જીત અપાવીને ફરી અમરેલીને કોંગ્રેસનો મજબુત ગઢ બનાવ્યો છે.