ખેડૂતોના દેવા માફ નહિ થાય તો ગામડે ગામડે અંદોલન કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કિસાન અંદોલનના આપ્યા એંધાણ
ખેડૂતોના દેવા માફ નહિ થાય તો ગામડે ગામડે અંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કિસાન અંદોલનના એંધાણ આપ્યા છે. પંજાબ સરકાર બાદ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોના લાખો કરોડોના દેવા માફ કરીને ઉદાહરણ પુરુ પાડ્યું છે ત્યારે ગુજરાતમાં કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી પણ ઘણા સમયથી ખેડૂતો વારે-તહેવારે ઉચ્ચારી રહ્યા છે જે હાલ ઉકળતા ચરુ સમાન બની છે. આ મુદ્દો આગામી લોકસભા ચુંટણીમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે અને આ વખતે ખેડૂતો ભાજપ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
કોંગ્રેસ ખેડૂતો મુદ્દે આક્રમક મુડમાં
બીજીતરફ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પણ સરકારને આ મુદ્દે ઘેરીને ખેડૂતોના પ્રશ્ને લડી લેવાનું મન બનાવી લીધું છે. માત્ર પ્રદેશ નેતા જ નહિ પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પંજાબ અને કર્ણાટકમાં પણ ખેડૂતોના દેવા માફી માટે રાહુલ ગાંધી વધારે ભાર આપતા હતા. તેમજ તેમના ચુનાવી વાયદામાં ખેડૂત દેવા માફીનો મુદ્દો મુખ્ય અને મહત્વનો રહેતો હતો.
ગુજરાતમાં કરેલા ધુંઆધાર પ્રચારમાં પણ રાહુલ ગાંધી ગુજરાતના દરેક ખૂણે-ખાંચરે પોતાના ભાષણમાં ખેડૂતોના દેવા માફીના મુદ્દાને ઉઠાવતા હતા અને ગુજરાતમાં એક ચુનાવી સભા સંબોધનમાં તેઓએ જણાવેલું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો સૌ પ્રથમ પ્રાથમિકતા ખેડૂતોના દેવા માફીના મુદ્દાને આપવામાં આવશે. આ બાબત ધ્યાને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ ખેડૂત મુદ્દે સરકાર સામે લડી લેવાના મુડમાં છે.
કિસાન આંદોલન થશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું કે, ગુજરતના ખેડૂતોના દેવા સરકારે માફ કરવા જોઈએ અને જયારે એક ગુજરાતી જ વડાપ્રધાન હોય ત્યારે ખેડૂતોએ ક્યાય હાથ ફેલાવવાની જરૂર નથી, મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને જો કેન્દ્ર રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ નહિ કરે અને આંખ આડા કાન કરશે તો ગુજરાતમાં ઠેર ઠેર કિસાન આંદોલન કરવામાં આવશે અને ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે લડી લેવામાં આવશે.
ગામડે ગામડે અંદોલન
આજ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પ્રદેશ પ્રમુખની વાત સાથે સૂરમાં સુર પુરાવતા જણાવ્યું કે ખેડૂતોના દેવા સરકારે વહેલામાં વહેલી તકે માફ કરવા જોઈએ અને જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે અને સરકાર ખેડૂતોના પ્રશ્નોની અવગણના કરશે તો “ખેડૂતોનું દેવું માફ કરો, નહી તો ભાજપને સાફ કરો” ના નારા સાથે ગામડે ગામડે અંદોલન થશે તેવી ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી હતી.