અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ૨૦મી જુલાઈથી ટ્રક જ્યાં હોય ત્યા રોકીને બંધમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે જ બે મહિના પહેલા દિલ્લીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની મીટીંગ મળી હતી અને આ અંગે નિર્ણય લેવાયો હતો જેની જાણ સરકારને પણ કરવામાં આવી હતી. સરકાર સમક્ષ તેમણે મૂકેલી પાંચ માગણીઓ અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી ચક્કાજામ કરી દેવાનો નિર્ણય ટ્રક એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.
ટ્રકના પૈડા થંભી જશે
અખીલ ભારતીય ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ૨૦મી જુલાઈથી અનિશ્ચિત સમય માટે બંધ બોલાવવામાં આવ્યું છે. કુલ પાંચ મુખ્ય મુદ્દાઓને લઈને આ બંધનું એલન કરવામ આવ્યું છે જેમાં મુખ્ય ટ્રાન્સપોર્ટર્સ પેટ્રોલ, ડીઝલ અને ટેક્ષ જેવા પાંચ મુદ્દાને લઈને હડતાલ પર ઉતરશે અને ટ્રકના પૈડા થંભાવીને અહિંસક વિરોધ પ્રદશન કરશે.
શું છે મુખ્ય માંગ
ટ્રક એસોસિયેશનની મુખ્ય માગણીઓમાં ડીઝલની કિંમતમાં દર ત્રણ મહિને સમીક્ષા કરવી, ટોલ ફ્રી રોડની વ્યવસ્થા ઊભી કરવી, ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ પર લેવાતા ૧૮ ટકા જીએસટી રદ કરવાની અને ટ્રાન્સપોર્ટના ભાડા પર કરવામાં આવતા ટીડીએસની વ્યવસ્થા નાબૂદ કરવાની વગેરે માગણીનો સમાવેશ થાય છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના નિમેષ પટેલનું કહેવું છે કે રોજ બદલાતા ડીઝલના ભાવને કારણે દેશના કોઈપણ શહેરમાંથી અન્ય શહેરમાં માલ મોકલવા માટેની ટ્રીપના કોસ્ટિંગ નક્કી કરવામાં તકલીફ પડી રહી છે. આ સંજોગોમાં ડીઝલના ભાવની સમીક્ષા દર ત્રણ મહિને કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટર્સને તેમના કોસ્ટિંગ કાઢવામાં તકલીફ પડશે નહિ.
બીજી માગણી ટોલ ફ્રી રોડ આપવાની છે. રસ્તામાં અમારી ટ્રકો રોકવાને પરિણામે વર્ષે રૂ. ૧.૪૭ લાખ કરોડના ઇંધણનો બગાડ થાય છે જેથી સરકારે ટ્રકો દોડતી હોય ત્યારે જ તેના ટેગનું રિડિંગ કરી લે તેવી અત્યાધુનિક સિસ્ટમ વસાવવી જોઈએ. તેનાથી ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે દોડતી ટ્રકના ટેગનું પણ રિડીંગ થઈ જશે અને વાહનો રોકવાને કારણે ઇંધણ અને સમયનો બગાડ થતો અટકી જશે.
ત્રીજી માંગણી છે, ૨૫ ટનની ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ રૂ. ૪૦૦૦૦ જેટલા ઊંચા છે. આ પ્રીમિયમ પર ૧૮ ટકાના દરે જીએસટી વસુલ લેવામાં આવે છે. તેમાંથી વીમા એજન્ટોને ૧૫ ટકા જેટલું તોતિંગ કમિશન આપવામાં આવે છે જેથી જીએસટી કાઢી નાખવામાં આવે તેવી અમારી માગણી છે.
ચોથી માંગણી છે, ઇ-વે બિલ ઇશ્યૂ કરાવવામાં ઓનલાઈન પડતી તકલીફ અને તેમાં રહી જતી નાની અમથી ભૂલને કારણે ઇ-વે બિલને જ અમાન્ય કરી દેવાનું પગલું, ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધારે છે. આ સમસ્યાનો પણ ઉકેલ આપવાની અમારી માગણી છે.
પાંચમી માંગણી છે, ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા ટુરિસ્ટ બસ ઓપરેટર્સ માટે નેશનલ પરમિટની વ્યવસ્થા કરવી. ટ્રક માટે નેશનલ પરમિટના રૂ. ૧૬,૫૦૦ની આસપાસ લેવાય છે તે જ રીતે ટુરિસ્ટ બસ માટે પણ નેશનલ પરમિટના એક સરખા દર નક્કી કરીને સરકારે તેમને પણ દરેક રાજ્યમાંથી અલગ અલગ પરમિટ લેવાની જફામાંથી મુક્તિ આપવી જોઈએ.
મોંઘવારી વધશે
ઉલ્લેખનીય છે ટ્રક ટ્રાન્સપોર્ટનો ના વ્યવસાય પર ભારત આખું નભે છે એટલે મોંઘવારીમાં વધારો થાવની સંભાવના રહેલી છે. આ પગલે શાકભાજી, દૂધ, કઠોળ વગેરે જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોચવાની દેહશત છે જેની માઠી દેશના અર્થતંત્ર પર પડી શકે છે.