લોકસભાની ચૂંટણી જેમ જેમ આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમી વધી રહી છે. ભાજપે પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કરી દીધા છે તો કોંગ્રેસ દ્વારા પણ અડધા ઉપરથી વધારે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ અમુક બેઠક પર જ્યાં પેચ ફસાયો છે ત્યાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. બીજી તરફ ભાજપમાં ભડકો સામે આવ્યો છે. વડોદરા બેઠક પર ઘમાસાણ બાદ સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની ના પાડવામાં આવી.
વડોદરા એ જ બેઠક છે જ્યાંથી પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત ચૂંટણી લડી પ્રધાનમંત્રી બન્યા હતા. જોકે પ્રધાનમંત્રી મોદી દ્વારા વારાણસી બેઠક પકસંદ કરતા વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેબાદ આ બેઠક પરથી રંજનબેન ભટ્ટને ભાજપે ટીકીટ આપી હતી. અને હવે આ બેઠક પર કકળાટ સામે આવ્યો છે.
અન્ય એક બેઠક પર પણ ભાજપ નેતા દ્વારા ચૂંટણી લડવાની ના પાડતા હડકંપ મચી ગયો છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે જાહેર કરેલા ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણી ના લડવાની જાહેરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરવામાં આવી હતી જો કે આ પોસ્ટ ડીલીટ કરવામાં આવી છે. પરંતુ તિર કમાન માંથી છૂટી ગયું છે.
ભાજપ માં જ નહીં પરંતુ કોંગ્રેસ માં પણ ડખા સામે આવ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર રોહન ગુપ્તા દ્વારા અંગત કારણો સર તેમજ તેમના પિતાની ખરાબ તબીયતને કારણે ચૂંટણી ના લડવાની જાહેરાત કરવામાં આવી હતી.
જોકે આ જાહેરાત કર્યાંના બે દિવસ બાદ રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસના પ્રાથમીક સદસ્ય તરીકે રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા અને ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસનું સોશિયલ મીડિયા સંભાળી ચૂક્યા છે.
ભાજપમાં બેઠક બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે જ્યારે કોંગ્રેસને અમુક બેઠકો પર ઉમેદવાર શોધવામાં આંખે પાણી આવી ગયા છે તો કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જોઈ ભાજપ પોતાના ઉમેદવાર બદલવા મજબુર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે!
હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર શોધવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ગમે તેમ કરીને કાર્યકરોને સંતોષ થાય તેવા ઉમેદવાર શોધવામાં આવી રહ્યા છે.
ભાજપ સતત બે વખતથી ગુજરાતની 26 માંથી 26 બેઠકો પર કમળ ખિલાવીને દિલ્લી મોકલે છે પરંતુ આ વખતે ભાજપ માટે ગુજરાતની 26 માંથી 26 લોકસભા બેઠક પર જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહ્યું છે.
કોંગ્રેસ માટે જે મળે એ લાભમાં જ છે. છેલ્લા બે વખતથી ગુજરાત માંથી કોંગ્રેસના એક પણ લોકસભા સાંસદ નથી એટલે આ વખતે ભાજપની હેટ્રિકને રોકવાનો ચાન્સ કોંગ્રેસ પાસે છે. હાલના રાજકીય વાતાવરણને જોતા કેટલીક બેઠકો પર કોંગ્રેસ ભાજપના વિજય રથને થંભાવી શકવા સક્ષમ દેખાઈ આવે છે.
હવે જોવું જ રહ્યું કે ભાજપ 26 બેઠક પર કમળ ખિલાઈ શકે છે કે નહીં? બીજી તરફ કોંગ્રેસનો પંજો કેટલી બેઠક પર પડે છે અને દિલ્લી તરફ પ્રયાણ કરે છે કેમ? હાલમાં રાજકીય વાતાવરણ અલગ જોવા મળી રહ્યું છે પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ વાતાવરણ બદલાતું રહેશે.