લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ભાજપ કોંગ્રેસ દ્વારા અમુક બેઠકો બાદ કરતાં લગભગ લગભગ ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે. બાકી રહેલી બેઠકો પર જલ્દી જ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને ભાજપ કોંગ્રેસ આખરી ઓપ આપવા જઈ રહ્યા છે ત્યાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
પહેલાં બે નેતાઓ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવતાં ભાજપ મૂંઝવણમાં મુકાઇ ગયું હતું અને હવે તે બેઠકો પર નવા ઉમેદવાર શોધવા ભાજપ મથામણ કરી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે બરોડા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર પણ ભાજપ જલ્દી જાહેર કરશે.
હજુ આ વિવાદ માંડ શાંત થયો છે ત્યારે ભાજપ માટે અન્ય એક વિવાદ ઉભો થઇ ગયો છે અને આ વિવાદ માં ભાજપ નેતા દ્વારા જ વિવાદનો મધપૂડો છેડવામાં આવ્યો છે. આ વિવાદ એટલો વકર્યો કે તાબડતોબ નેતાજી દ્વારા માફી મંગવામાં આવી છે. અને વિવાદ એવો છે કે કોઈ ભાજપ નેતા આમાં મદદ કરી શકે એમ નથી.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ભંગાણ?? 26 માંથી 26ની પરંપરા તૂટશે?? જાણો!!
મામલો એવો છે કે, ભાજપ દ્વારા જાહેર કરાયેલા રાજકોટ બેઠક પર ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
ભાજપ નેતા દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાજપ નેતા સામે ક્ષત્રિય સમાજ લાલઘૂમ થઈ ગયો છે. અને ભારે વિવાદ જન્મ્યો છે. વિવાદનું વિકરાળ સ્વરૂપ થતાં જોઈ પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માફી માંગતો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
વિવાદિત નિવેદનનો વીડિયો સમગ્ર ગુજરાતમાં ઝડપથી વાઇરલ થઈ ગયો હતો તે જોઈ ભાજપ નેતા દ્વારા તાબડતોબ માફી માંગતો વીડિયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ એક વીડિયો જાહેર કરીને પોતાના વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા માફી માંગતા આ વીડિયોમાં તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો સાથે વાતચીત કરી છે. તેમણે નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો. મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર જુલ્મોનું નીરુપણ કરવાનો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો કોઈ આશય ન હતો. છે નહીં અને ક્યારેય નહીં હોય. આમ છતાં મારા નિવેદનથી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. અને આપ સૌને આ વિષય અહીંયા પૂરો કરવાની વિનંતી કરું છું.
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે અને ભાજપ માટે હાલમાં કોઈપણ સમાજને નારાજ કારવાનું પોસાય તેમ નથી. ક્ષત્રિય સમાજ ગુજરાતની લગભગ લગભગ તમામ બેઠકો પર અસરકારક પ્રભુત્વ ધરાવે છે. અને જો ક્ષત્રિય સમાજ નારાજ થાય તો ભાજપને લોકસભા ચૂંટણીમાં મઠા પરિણામ ભોગવવા પડે.
આ વાતને ભાજપ ના દરેક નેતાઓ અને ખુદ પરશોત્તમ રૂપાલા પણ જાણે છે એટલે જ તેમના દ્વારા થયેલી ભૂલની તાબડતોબ માફી માંગી લીધી. ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. માંડ એક સંકટ માંથી બહાર આવે ત્યાં બીજું રાહ જોતું જ હોય.
જણાવી દઈએ કે ભાજપ સતત બે વખતથી ગુજરાતની 26 માંથી 26 બેઠકો પર કમળ ખિલાવીને દિલ્લી મોકલે છે પરંતુ આ વખતે ભાજપ માટે ગુજરાતની 26 માંથી 26 લોકસભા બેઠક પર જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહ્યું છે. એવા સમયે નેતાઓના બેફામ નિવેદનો ભાજપને નુકશાન કરાવી શકે છે.