
જસદણ માં પેટા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ – કોંગ્રેસની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. બન્ને પક્ષો આ જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને બનતા હરક્ષમ પ્રયાસો કારી રહ્યા છે.
હાલની પરિસ્થિતિ અનુસાર બન્ને પક્ષોમાં રસાકસી જેવી લડાઈમાં છે, કોઈ જ આકલન કરવું મુશ્કેલ છે. સરકાર સામેનો રોષ તો લોકોમાં છે જ પણ પેટા ચૂંટણીથી સરકાર ના બદલી શકાય એવો મત પણ છે.
ત્યારે હવે જસદણ માં કોંગ્રેસનો પ્રચાર કરવા એવા નેતા આવશે કે જેનાથી બાજી પલટાઈ જશે. ફાયરબ્રાન્ડ અને તેજ તરાર નેતા, પૂર્વ ક્રિકેટર અને પંજાબથી મંત્રી તેવા નવજોતસિંહ સિદ્ધુ પ્રચારના આખરી દિવસે જસદણ વિધાનસભાના આટકોટમાં પ્રચાર કરવા આવશે.
તો બીજી તરફ હાર્દિક પટેલ, હાલ પાસનું સુકાન જેમના હાથમાં સોંપવામાં આવ્યું છે તેવા યુવા ક્રાંતિકારી અલ્પેશ કાથીરિયા અને જીગ્નેશ મેવાણી પણ જસદણ માં સભા ગજવી શકે છે. જોકે હાલ તેમની સભાની મંજૂરી સરકારે રદ કરી નાખી છે પણ રેલી સ્વરૂપે નેની સભા તો કરી જ શકશે.
નોંધનીય છે કે સિદ્ધુએ તાજેતરમાં એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ધૂંઆધાર પ્રચાર કર્યો હતો, જેના કારણે આ રાજ્યયોમાં જોરદાર માહોલ બનાવ્યો હતો. હવે એવાજ માહોલ અને એવાજ ચમત્કારની આશા અહીંયા જસદણમાં થાય એવું કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને આશા છે.
જસદણમાં પાટીદારોના મત પણ નિર્ણાયક છે. જો અને તો ના રાજકારણમાં હાલ પાટીદારો નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે. જસદણ પેટા ચુંટણીના માહોલમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની હાજરી ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે.
પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત આટલી આક્રમકતા અને સક્રિયતા બતાવવામાં આવી છે. ત્યારે હવે જસદણમાં નવજોતસિંહ સિદ્ધુ તેમની તોફાની ઇનિંગ રમીને સમગ્ર વતાવરણ કોંગ્રેસ તરફી કરી દેશે તેવું કહેવાઇ રહ્યું છે.
ઉત્સાહસભર માહોલ સાથે ભાજપ પર આક્રમક શબ્દોમાં પ્રહાર અને લોકોને મજા આવે તેવી ભાષા સાથે મંગળવાર સાંજે જસદણમાં વિશાળ જનસભા યોજાવાની છે. એક બાજુ સિદ્ધુની ધુઆધાર બેટિંગ તો બીજી બાજુ હાર્દિક અને અલ્પેશના સરકાર પર ચાબખા સાંભળવા મળી શકે છે.
ભાજપમાંથી સ્મૃતિ ઈરાની, પરેશ રાવલના પ્રચારથી લાંબી કોઈ અસર ના ઉપજ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારના અંતિમ દિવસે જ છેલ્લી ઘડીના પ્રચારમાં નવજોતસિંહ સિદ્ધુને ઉતારીને કોંગ્રેસે મોટો દાવ રમી લીધો છે.
મંગળવારે નવજોતસિંહ સિદ્ધુ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, રાજીવ સાતવ સહિતના નેતાઓ ત્યારે હાજર રહેશે. ત્યારે હવે કોંગ્રેસનો આક્રમક પ્રચાર પ્રસાર પક્ષને પ્રતિષ્ઠાના જંગ સમાન પેટા ચૂંટણી જીતાડી શકે છે કે કેમ તે જોવું રહ્યું.