
ગુજરાતમાં જ્યારથી પેટા ચુંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી જાવા પામી છે. કોંગ્રેસમાં તો અલ્પેશ અને ધવલસિંહના ભાજપ પ્રવેશ બાદ શાંતિની સ્થિતિ છે પરંતુ ભાજપમાં અશાંતિનું વાતાવરણ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. રાધનપુર બેઠક અને બાયડ બેઠક પર આ બંને નેતાઓ સામે આંતરિક વિરોધ ચરમસીમાએ છે ત્યારે આજે ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તેમની મહોર બાદ આજ મોડી રાત સુંધીમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.

ભાજપમાં રાધનપુર બેઠક અને બાયડ બેઠક પર આંતરિક રાજકારણ ગરમાઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાધનપુર બેઠક પર શંકર ચૌધરીના સમર્થકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બાયડ બેઠક પર અદેસિંહ ચૌહાણ જે ગત વિધાનસભા ચુંટણીમાં ભાજપના બાયડ બેઠક પરથી ઉમેદવાર હતા તેમના સમર્થકો દ્વારા ધવલસિંહ ઝાલા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કે અદેસિંહ દ્વારા પહેલા પણ પાર્ટી વિરોધી ગતિવિધિ કરવાના આરોપ લાગેલા છે જેની ચર્ચા ભાજપની પારલીમેન્ટ્રી બેઠકમાં થઈ હતી.

ભાજપમાં આંતરિક ખેંચતાણ વધી જાવા પામી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના જ બે ગ્રુપ માં એક શંકર ચૌધરીના નામનો વિરોધ કરે છે જ્યારે બીજું ગ્રુપ જાતીય સમીકરણને ધ્યાનમાં લઈને તેમના નામનું સમર્થન કરે છે. પરંતુ ભાજપે અલ્પેશ ઠાકોરને ચુંટણીમાં ટિકિટ આપવાની કમિટમેન્ટ આપી હોવાથી લગભગ લગભગ અલ્પેશ ઠાકોરનું નામ રાધનપુર સીટ પરથી નક્કી માનવામાં આવી રહ્યું છે ત્યારે શંકર ચૌધરીના સમર્થકોમાં આ અંગે રોષની લાગણી જોવા મળી રહી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત બાયડ બેઠક પર પણ કઈંક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય રહ્યું છે. પરંતુ ત્યાં આટલી મોટી ખેંચતાણ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત વિધાનસભામાં બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ આ વખતે અપક્ષ ચુંટણી લડી શકે છે અથવા તો એનસીપી સાથે જઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતમાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે અદેસિંહ ચૌહાણ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સાથે જોવા મળ્યા હતાં. પરંતુ તેમની આ મુલાકાત અને મિટિંગ પારિવારિક હોઈ શકે છે કારણ કે અદેસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ગાઢ મૈત્રી છે. અદેસિંહ બાયડ બેઠક ધવલસિંહ ઝાલાને આપવાના વિરોધમાં છે.

વિરોધ અને વિદ્રોહના વંટોળ વચ્ચે આજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, બે ઓફિશિયલ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જે બાદ સાબરમતી વિધાનસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને કાર્યકરો સાથે મિટિંગ કરશે તેમજ નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચર્ચા બાદ અમિત શાહ ભાજપના તમામ 6 ઉમેદવારોના નામ પર મહોર મારશે અને આજે જ તમામ 6 નામો જાહેર થઈ જશે. આ સાથે જ ભાજપમાં જે વિરોધ અને વિદ્રોહનો વંટોળ છે તે દેખીતી રીતે શાંત થઈ જશે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.