
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાં બે બેઠક એટલે કે રાધનપુર અને બાયડ પર અનુક્રમે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે જે પક્ષપલટો કરીને કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઇ ગયા છે. અને હવે ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. જેના લીધે ભાજપમાં આંતરિક ખેંચતાણ તો છે જ છે જ સાથે સાથે ઠાકોર સમાજ માં પણ આ બાબતે રોષની લાગણી છે. અને કોંગ્રેસી કાર્યકરો માં પણ આ બાબતે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ અમિત શાહે આવીને આ બે બેઠક પર હાલ પૂરતો આંતરિક રોષ વિરોધ ડામી દીધો છે.

પરંતુ અલ્પેશ ઠાકોર માટે આ ચુંટણીમાં જીતવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. એક તરફ અલ્પેશ જે ઠાકોર સેના દ્વારા રાજકીય પગથિયાં ચડ્યો એજ ઠાકોર સેનામાં અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે અને ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોર સામે ઉમેદવાર ઉતારવાની જાહેરાત પણ કરી હતી અને અલ્પેશ વિરુદ્ધ પ્રચાર કરવાની પણ જાહેરાત ઠાકોર સેના દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ ભાજપમાં અસંતોષીત કાર્યકરો જે અલ્પેશના વિરોધમાં હતા તે લોકો પણ અંદરખાને વિરોધમાં કામ કરી શકે છે.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાધનપુરની જવાબદારી ગેનીબેનને સોંપવામાં આવી હતી અને ગેનીબેન દ્વારા આ બાબતે શરૂઆતના સમયથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ થી જ રાધાનપુરમાં જીતના સમીકરણો બેસાડવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. જોવા જઈએ તો અપેશ ઠાકોર માટે આસાન ગણાતી જીતને કોંગ્રેસે વધારે અઘરી બનાવી દીધી છે. અલ્પેશ ઠાકોરે વારે ઘડીએ પોતાના સ્ટેટમેન્ટ બદલ્યા છે તેના કારણે સમજમાં પણ આ બાબતે તેનો વિરોધ છે.

અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે, સૂર્યની સાક્ષીએ કહું છું કે હું રાજકારણમાં નહીં આવું અને તે રાજકારણમાં જોડાયા. ત્યાર બાદ તેમના ભાજપમાં જવાના સમાચારો આવતાં હતાં ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં દગો કરવો એ મારા લોહીમાં નથી તોય તેમણે પક્ષપલ્ટો કર્યો અને કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા. આ બાબતે ઠાકોર સમાજ માં પણ રોષની લાગણી છે અને અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહયા છે. અને ઠાકોર સેના દ્વારા જ અલ્પેશ ઠાકોર માટે આ બેઠક જીતવાની કપરી બનાવી દેવામાં આવી છે. તેમજ આ બેઠક પર ૧૯ જેટલા ફોર્મ ભરાયા છે જેમાં પાછા ખેંચવાની મુદત સુંધી કેટલા બચે છે તે જોવાનું મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઈ જતાં અને રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ લગભગ નક્કી જ હતું તે વખતે રાધનપુર બેઠક માટે સાંતલપુર ઠાકોર સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા હતાં. જેને લીધે અલ્પેશ ઠાકોરની મુશ્કેલમાં વધારો થયો છે. મગનજી ઠાકોર પણ આ વિસ્તારમાં ઠાકોર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. જે અલ્પેશ ઠાકોરને કડી ટક્કર આપી શકે છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા રઘુ દેસાઈ ને ટિકિટ આપીને માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. હવે જોવાનું 24 તારીખે પરિણામ છે.