ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક પર ગત તારીખ 21 ઓક્ટોબરના રોજ પેટાચુંટણી યોજાઈ ગઈ અને તેનું પરિણામ ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ આવ્યું જેમાં 3 બેઠક કોંગ્રેસને તો 3 બેઠક ભાજપને મળી હતી જેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ બેઠક એટલે રાધનપુર અને બાયડમાં કોંગ્રેસે જીત મેળવી છે. રાધનપુર અને બાયડમાં અનુક્રમે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને હારનો સામનો કરવો પડ્યો છે. જનતાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને તેમની સાચી જગ્યા બતાવી દીધી છે.
આ પેટા ચુંટણીમાં એનસીપીએ મહત્વનો રોલ ભજવ્યો છે. ગુજરાતમાં એનસીપીના પ્રમુખ શંકરસિંહ વાઘેલા છે જે ક્યારેક કોંગ્રેસ પાર્ટીમાં હતા. અને બાપુના હુલામણા નામે આખાય ગુજરાતમાં પ્રખ્યાત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પહેલા બાપુએ કોંગ્રેસ પાર્ટી છોડીને જનવિકલ્પ મોરચો શરૂ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો છે ત્યારબાદ બાપુ દ્વારા એનસીપીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. હાલ બાપુ એનસીપી અધ્યક્ષ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી તમામ બેઠક પર એનસીપી દ્વારા ઉમેદવારો ઉતારવમાં આવ્યા હતા. જે મજબૂત હતા અને પરિણામને અસર કરી શકે તેવા પણ હતાં.
બાયડ બેઠકની જો વાત કરીએ તો ભાજપના ધવલસિંહ ઝાલાને 64,854 વોટ મળ્યા સામે કોંગ્રેસના જશુભાઈ પટેલને 65,597 વોટ મળ્યા અને એનસીપીને 4,065 વોટ મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસની 743 વોટ સાથે જીત થઈ છે. જો આ બેઠક પર શંકરસિંહ વાઘેલાની એનસીપી દ્વારા ઉમેદવાર ઉતારવામાં ના આવ્યા હોત તો એનસીપીને મળેલા વોટ કોંગ્રેસ તરફી જાત અને ધવલસિંહ ઝાલાની વધારે ભૂંડી રીતે હાર થાત. એટલે કે આ બેઠક પર એનસીપીને 4,065 જેટલા વોટ મળ્યા એ ભાજપ માટે તો ફાયદારૂપ સાબિત થયું. જો એનસીપી ના હોત તો ભાજપની ભૂંડી હાર થાત એ નક્કી જ હતું.
રાધનપુર બેઠકની વાત કરીએ તો ભાજપના અલ્પેશ ઠાકોર ને 73603 વોટ મળ્યા સામે કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને 77410 વોટ મળ્યા અને એનસીપીને 7200 વોટ મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના રઘુભાઈ દેસાઈની 3,807 વોટ સાથે જીત થઈ છે. જો આ બેઠક પર શંકરસિંહ વાઘેલાની એનસીપી દ્વારા ઉમેદવાર ઉતારવામાં ના આવ્યા હોત તો એનસીપીને મળેલા વોટ કોંગ્રેસ તરફી જાત અને અલ્પેશ ઠાકોર જે ક્યારેક મંત્રી બનવાની વાતો કરતાં હતાં તેમની વધારે ભૂંડી રીતે હાર થાત. એટલે કે આ બેઠક પર એનસીપીને 7200 જેટલા વોટ મળ્યા એ ભાજપ માટે તો ફાયદારૂપ સાબિત થયું. જો એનસીપી ના હોત તો ભાજપની ભૂંડી હાર થાત એ નક્કી જ હતું.
થરાદ બેઠકની વાત કરીએ તો ભાજપના જીવરાજભાઈ પટેલને 56587 વોટ મળ્યા સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 72959 વોટ મળ્યા અને એનસીપીને 1699 વોટ મળ્યા હતાં. આ બેઠક પર પણ એનસીપી દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતાં પરંતુ આ બેઠક પર એનસીપી કશું વધારે ઉકાળી શકી નોહતી કરણ કે સીધી ફાઈટ ભાજપ કોંગ્રેસ વચ્ચે હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત 16,332 જંગી મતોથી જીત્યા છે. જેમાં ભાજપ દ્વારા આપવામાં આવેલી ટિકિટ સામે ભાજપ સંગઠનોનો રોષના કારણે નિષ્ક્રિય સંગઠન બીજી તરફ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત એટલે કોંગ્રેસના તમામ યુવાનો મેદાને હતાં જે ગુલાબસિંહને જંગી જીત તરફ લઈ ગયું.
લુણાવાડા બેઠકની વાત કરીએ તો ભાજપના જીગ્નેશકુમાર સેવકને 67391 વોટ મળ્યા સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 55439 વોટ મળ્યા અને એનસીપીને 12309 વોટ મળ્યા. જો એનસીપી દ્વારા આ બેઠક પર ઉમેદવાર ઉતારવામાં ના આવ્યા હોત તો સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જામેત અને એનસીપી જે 12,309 જેટલા વોટ લઈ ગઈ એ કોંગ્રેસના ખાતે જઈ શકે તેમ હતા. કારણ કે એનસીપી દ્વારા હંમેશાથી કોંગ્રેસના વોટનું વિભાજન થતું આવ્યું છે. આ બેઠક પર પણ જો ભાજપની જીતનું માર્જિન જોઈએ તો 11,952 જેટલું છે સામે એનસીપી 12,309 જેટલા વોટ લઈ ગઈ છે. જો એનસીપી ના હોત તો કોંગ્રેસ આ બેઠક પર જીત હાંસિલ કરી શકે તેમ હતું.
અમરાઈવાડી બેઠક પર વાત કરીએ તો ભાજપના જગદીશભાઈ પટેલને 48657 વોટ મળ્યા સામે કોંગ્રેસના ધર્મેન્દ્રભાઈ પટેલને 43129 વોટ મળ્યા અને એનસીપીને 534 વોટ મળ્યા. આ બેઠક પર એનસીપી વધારે કશું ઉકાળી શકી નથી કારણકે આ બેઠક પર બંને ઉમેદવાર સીધો મુકાબલો હતો. મતગણતરી ની શરૂઆતથી છેલ્લી ઘડી સુંધી કોંગ્રેસ આગળ હતી છેલ્લા ચાર પાંચ ઇવીએમ ખૂલ્યા બાદ ભાજપ જીત્યું બાકી આ બેઠક પર રસાકસી જોવા મળી હતી. બંને ઉમેદવારો એ પ્રચારમાં પણ કશું બાકી રાખ્યું નોહતું.
ખેરાલુ બેઠકની વાત કરીએ તો ભાજપના અજમાલભાઈ ઠાકોરને 60875 વોટ મળ્યા સામે કોંગ્રેસના બાબુજી ઠાકોરને 31784 વોટ મળ્યા અને એનસીપીને 1753 વોટ મળ્યા હતા. આ બેઠક લર જોવા જઈએ તો પરિણામ એકતરફી રહ્યું છે. ભાજપે એકતરફી જીત મેળવી એમ કહી શકાય. કરણ કે ભાજપના ઉમેદવાર અજમાલભક ઠાકોર 29,091 વોટની જંગી લીડ સાથે જીત્યા છે. એટલે આ પરિણામ ચોક્કસથી ભાજપ તરફી કહી શકાય જ્યાં ભાજપના સંગઠનનો જબરદસ્ત પરિશ્રમ અને મજબૂત લોકલ ઉમેદવારને લોકોએ મત આપ્યા.
ઉલ્લેખનીય છે કે, પેટા ચુંટણીમાં મહત્વની બેઠક રાધનપુર, બાયડ અને લુણાવાડા બેઠક પર શંકરસિંહ વાઘેલાની એનસીપી દ્વારા ભાજપને ફાયદો આપીને કોંગ્રેસને નુકશાન કરવામાં આવ્યું હતું. તોય પણ કોંગ્રેસ રાધનપુર અને બાયડ સીટ જીત્યું. તો લુણાવાડા બેઠક પર કોંગ્રેસની હાર થઈ. જો એનસીપી આ બેઠક પર ના હોત તો કોંગ્રેસ લુણાવાડા બેઠક પણ જીતી શકે તેમ હતી. મતોનું ગણીત જોતા રાધનપુર, બાયડ અને લુણાવાડા બેઠક પર એનસીપી દ્વારા કોંગ્રેસનો ખેલ બગાડવાના પ્રયત્નો થયા હતાં પરંતુ લુણાવાડા સિવાય બંને બેઠક કોંગ્રેસ જીતી ગયું.
અલ્પેશ ઠાકોર અને ભાજપ દ્વારા શંકરસિંહ વાઘેલાના પગ ધોઈ પાણી પી ને તેમનું સન્માન કરવું જોઈએ કારણ કે શંકરસિંહ વાઘેલાની એનસીપી ના હોત તો ભાજપ વધારે ભૂંડી રીતે હારી જાત તો બીજી તરફ અલ્પેશ ઠાકોર જે પોતે મંત્રી બનવાની વાતો કરતો હતો મુખ્યમંત્રીની બાજુમાં ઓફીસ અને લીલી પેનથી હુકમો કરવાની શેખીઓ મારતો હતો અને 10..20 હજાર મતોથી જીતવાની વાત કરતો હતો એ 3,000 ના બદલે 10..12 હજાર મતોથી હારી જાત. કમસેકમ શંકરસિંહ વાઘેલા એ અલ્પેશ ઠાકોર અને ભાજપની ઈજ્જત બચાવી લીધી જેના માટે ભાજપ અને અલ્પેશ ઠાકોર દ્વારા શંકરસિંહ વાઘેલાનું સન્માન કરવું જ જોઈએ.