
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમિત ચાવડા એ આ પત્રમાં જણાવ્યું કે,”૨૦૨૧ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં OBC રીઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી. સદર કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ દેશના તમામ રાજયોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકોનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. આ આદેશને છ માસ જેટલો સમય વિતી જવા છતાં ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમીશન રચીને વસ્તીના આધારે માપદંડો નકકી કરવા કોઇ કાર્યવાહી કરેલ નથી.”

પ્રતિ, શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,
માન.મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત રાજય,
ગાંધીનગર.
માનનીયશ્રી,
જય ભારત સહ જણાવાનુ કે રાજય ચુંટણી આયોગના સચિવશ્રી ધ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીઓને પત્ર લખેલ છે. તે મુજબ ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩ થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે ૧૦% બેઠકો અનામત રહેશે નહી. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચુંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે.

૨૦૨૧ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં OBC રીઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી. સદર કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ દેશના તમામ રાજયોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકોનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. આ આદેશને છ માસ જેટલો સમય વિતી જવા છતાં ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમીશન રચીને વસ્તીના આધારે માપદંડો નકકી કરવા કોઇ કાર્યવાહી કરેલ નથી. રાજય સરકાર OBC સમાજને અન્યાય કરતા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતા કોઇ કાર્યવાહી ન કરતા અંતે ગુજરાતમાં આશરે ૩૨૫૨ ગ્રામ પંચાયતોમાં ૧૦% OBC અનામતનો લાભ મળશે નહી.

રાજયમાં કુલ વસ્તીના પર% જેટલી OBC સમાજની વસ્તી છે. ૨૭% અનામત શિક્ષણ નોકરીઓમાં અમલમાં છે વસ્તીના ધોરણો મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC સમાજ માટે અનામત બેઠકો વધારવાની જરૂરીયાત છે, એનાથી ઉલટું રાજય સરકારની OBC સમાજને અન્યાયકર્તા નિતિઓને કારણે OBC સમાજનું પ્રતિનિધત્વ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓમાંથી સંદતર દુર થશે. રાજય સરકારના આવા તઘલખી નિર્ણયનો ભોગ OBC સમાજ બનશે. આવા નિર્ણયોથી રાજયની ભાજપ સરકારની OBC સમાજને હાંસિયામાં ઘકેલી દેવાની નિતિ સ્પષ્ટ જણાઇ આવે છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે અને OBC સમાજને અન્યાય ન થાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને કાર્યવાહી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય અને ૩૨૫૨ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં OBC સમાજના અનામતનો લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જયાં સુધી આ સંદર્ભની કાયદાકીય-વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોની ચુંટણીઓ મુલતવી રાખવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.
આભાર સહ,
આપનો,
અમિત ચાવડા
