ગત તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ ગુજરાતની મુલાકાતે હતા. અહેમદ પટેલ સ્વ. દિવ્યાબહેન રાવળની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ તો એહમદ પટેલ ખૂબ જ ઓછું બોલે છે પણ જ્યારે બોલે છે ત્યારે બેબાક બોલે છે. આ વખતે પણ અમદાવાદની મુલાકાતે આવેલા એહમદ પટેલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને મોદી સરકારની નીતિરીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે મોદી સરકાર લોકોની ભાવનાઓ સાથે રમે છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
એહમદ પટેલ દ્વારા મોદી સરકારની આર્થિક નીતિઓ પર ગંભીર ટીકા કરવામાં આવી અને દેશની હાલની આર્થિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને તેના નેતાઓ બિન જરૂરી મુદ્દાઓથી લોકોની ભાવના અને લાગણીઓ સાથે ખીલવાડ કરી રહ્યા છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. જન વિરોધી નિર્ણય નોટબંધી પર પૂર્વ વડાપ્રધાન મનમહોનસિંહ દ્વારા આપવામાં આવેલી આગાહી આજે સાચી પડી છે. સરકારે ખરેખર તો દેશના અર્થતંત્રની ચિંતા કરવાની જરૂર છે ઇતિહાસમાં પહેલીવાર દેશ આવી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે.
સરકારની કોઈપણ નીતિ કારગર નીવડી રહી નથી અને ગ્રેથરેટ નીચે જઇ રહ્યો છે. જે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે અને ઘણુંજ નુકશાનકારક છે. જેની પર મોદી સરકારે કામ કરવાની જરૂર છે. ભાજપ સરકાર જનતાની ભાવના અને લાગણીને ખોટા રસ્તે દોરી રહી છે. જે આ પહેલાની સરકારમાં ક્યારેય થયું નથી. 70 વર્ષના દેશના ઇતિહાસમાં પહેલીવાર દેશ આર્થિક મોરચે આટલી કમજોર સ્થિતિમાં આવીને ઉભો છે. દેશનું અર્થતંત્ર માત્ર જાહેરાતો કરવાથી નહી સુધરે. તેના માટે કારગર પગલાં લેવા આવશ્યક છે. સરકારને સમજદાર અને આર્થિક બાબતોના નિષ્ણાત નેતાઓની જરૂર છે.
વધુમાં એહમદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર દ્વારા કોંગ્રેસના નેતાઓને ડામવા માટે સીબીઆઇ અને ઇડી જેવા સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજકીય કિન્નાખોરી રાખીને સરકારી તંત્ર દ્વારા વિપક્ષી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. જેવા ગંભીર આરોપ પણ મોદી સરકાર પર લગાવ્યો હતો. અમે કોંગ્રેસી છીએ અને હું કે કોંગ્રેસ કોઈનાથી ડરતા નથી. કાયદો કાયદાનું કામ કરશે. અહેમદ પટેલ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ થતાં હોવાના મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને સરકારને રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર દેશના અર્થતંત્રને સુધારવા માટે પગલાં ભરવા જણાવ્યું હતું.
અહેમદ પટેલે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ખુલ્લો પડકાર આપતાં જણાવ્યું હતું કે, જો હું કે મારો દિકરો કોઇ પણ કેસમાં દોષી હોય તો જે કાર્યવાહી કરી શકાતી હોય તે કરો. સરકાર તમારી પાસે છે. કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ મને અને મારા પુત્રને માત્ર રાજકીય રીતે જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સીબીઆઈ ઇડી દ્વારા માત્ર કોંગ્રેસના આગેવાનોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઘણા ભાજપના નેતાઓ છે જેમની પર ગંભીર આરોપો લાગી ચુક્યા છે તો તેમની પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? શું તેઓ ભાજપમાં છે એટલે? શું તેઓ દૂધથી ધોયેલા છે?
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ અમદાવાદ પૂર્વ ગૃહ મંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સ્વ. પ્રબોધ રાવળ વાનપ્રસ્થાશ્રમ પરિસરમાં તેમના પત્નિ સ્વ દિવ્યા રાવળની પ્રતિમાની અનાવરણ વિધી કરવાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે અહેમદ પટેલ દ્વારા સ્વ પ્રબોધ રાવળ અને દિવ્યા રાવળ સાથેના પ્રસંગો યાદ કર્યા હતા અને તેમના સમાજીક કાર્યની પ્રસંશા કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના નેતાઓ કાર્યકરો હાજર રહ્યા હતા.