વિધાનસભામાં દારૂનો મુદ્દો ગુંજતાની સાથે જ ફરીથી મોટી કોન્ટ્રોવર્સીની શરૂઆત થઈ ગઈ છે. હવે આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વધારે પરસેવો છૂટી જશે એ નક્કી. વિજયભાઈ રૂપાણી અને અશોક ગેહલોત વચ્ચે દારૂબંધી બાબતે થયેલી નોક્ઝોક તો યાદ જ હશે. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતના દરેક વિસ્તારમાં દારૂ આસાનીથી મળી રહે છે. ત્યારે વિજય રૂપાણી દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ આંકડાઓ અને તાજેતરના બનાવોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બોલતી બંધ કરી દીધી હતી. હવે આજ બાબતે સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જ આંકડાઓ આપવામાં આવ્યા છે.
વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા બેરોજગારી, શિક્ષણનું વ્યાપારીકરણ, મંદી, બેકારી, સરકારી ભરતીમાં કૌભાંડ, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે વિધાનસભા કૂચ કર્યા બાદ હવે વિધાનસભામાં પણ કોંગ્રેસ અગ્રેસીવ બની રહી છે. દારૂ બંધી બાબતે સવાલના જવાબ આપતાં ગૃહપ્રધાને જણાવ્યુ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 252 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વલસાડ જેવા જિલ્લાઓમાંથી પકડાયો છે. જણાવી દઈએ કે રાજકોટ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમ ટાઉન છે. એટલે હવે આ મુદ્દે પણ ચર્ચાઓ ચાલુ થઈ જશે.
ગૃહપ્રધાના દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 252 કરોડ 32 લાખ 52 હજાર 714ની રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં અંગ્રેજી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ અને બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. આ તમામની કિંમત 252.32 લાખ રૂપિયા કરતાં વધી જાય છે. રાજ્યમાં દેશીદારૂની કિંમત 3.12 કરોડ રૂપિયા થાય છે. બિયરની કિંમત 17.79 કરોડ થવા જાય છે જ્યારે વિદેશી દારૂની કિંમત 231.40 કરોડ રૂપિયા જેટલી થાય છે. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે.
રાજ્યમાં મહત્વના જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાંથી બે વર્ષમાં 25 કરોડનો દારૂ પકડાયો છે. પાટનગર ગાંધીનગરમાંથી 10 કરોડનો દારૂનો જથ્થો પકડાયો છે. સુરતમાં 14.15 કરોડનો અને રાજકોટમાંથી 12.76 કરોડની કિંમતનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. વડોદરામાંથી પોલીસને 17 કરોડ રૂપિયાનો દારૂ મળ્યો છે. જ્યારે આખાય ગુજરાતમાં સૌથી ઓછો ડાંગ જિલ્લામાંથી માત્ર 5.79 લાખનો દારૂ જપ્ત થયો છે. માત્ર દારૂ જ નહીં પરંતુ નશીલા પદાર્થોનો રેકોર્ડ તોડ જથ્થો પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપ સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 11 હજાર 831 કિલો જેટલો ગાંજો પકડાયો છે. સુરતમાં 3,534 કિલો ગાંજો ઝડપાયો છે. જ્યારે પાટણ જિલ્લામાંથી 2,462 કિલો અને આણંદમાંથી 2,225 કિલો ગાંજો પકડાયો છે. જ્યારે રાજ્યભરમાંથી 69.60 કિલો ચરસ અને 3236 કિલો અફીણ કબજે કરવામાં આવ્યું છે. આમ આંકડાઓ જોતા ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં તેવું લાગે છે. આદિવાસી વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં દારૂ અને નશીલા પદાર્થોનો જથ્થો વધારે પકડાઈ રહ્યો છે. જે ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
વિધાનસભામાં ખુદ સરકારે જાહેર કરેલા આંકડાઓ પરથી કોંગ્રેસને એક મુદ્દો વધારે મળી ગયો છે અને રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત ને પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઘેરવા માટે ખુદ સરકારી આંકડા મળી ગયા છે. હવે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપને પરસેવો વળે એમાં કોઈ નવાઈ નથી. અશોક ગેહલોત પણ દારૂ બંધી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘેરવાના પ્રયત્નો કરશે અને ગુજરાતમાં નિષ્ફળ દારૂબંધી બાબતે બોલશે એ પણ નક્કી છે. ત્યારે વિવાદનો મધપૂડો છેડાશે એ નક્કી છે.
આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી અશોક ગેહલોત ના દારૂના નિવેદન પર ભડકી ગયા હતાં. અને હવે ખુદ સરકારે સ્વીકાર કર્યો અને આંકડાઓ જોતા રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ છે. રાજ્ય સરકાર અસરકારક પગલાં લેવાને બદલે નિવેદનબાજી, આક્ષેપબાજી અને ગુજરાતની અસ્મિતા વિશે વાત કરીને લોકોને ભ્રમિત કરવાના પ્રયત્નો કરે છે. જ્યારે ગુજરાતમાંથી એક રૂપિયાનો પણ દારૂ મળે એટલે ગુજરાતી અસ્મિતાને ડાઘ સમાન છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા અસરકારક પગલાં લઈને દારૂબંધીમાં ગુજરાતને અવ્વલ બનાવવું જોઈએ જે અશોક ગેહલોતને જબરદસ્ત જવાબ ગણાય. આજે આ વિવાદનો મધપુડો છેડાય એની શકયતા વધારે છે.
- આ પણ વાંચો…
- ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા બાદ મોદીશાહની મુશ્કેલીઓ વધી! જાણો!
- બિનસચિવાલય પરીક્ષા: આ બે યુવાનોએ લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું… જાણો!
- ગુજરાત ફરી આંદોલનના માર્ગે! વિદ્યાર્થીઓએ આ ચીમકી ઉચ્ચારતા તંત્રએ અડધી રાત્રે કર્યું કઈંક આવું! જાણો!
- તો શું પક્ષપલટુઓની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે?? જાણો!
- મહારાષ્ટ્ર ભાજપમાં મોટું ભંગાણ! સમર્થકોની બેઠક બોલાવી કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ. જાણો!