ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠનેતા સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની ઊડતી મુલાકાતે હતા અને આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદનો મધપૂડો છેડ્યો છે. આમતો સ્વામી વિવાદાસ્પદ નિવેદન બાજી કરવામાં માહેર છે. તેમના આવા નિવેદનોથી હંમેશા વિવાદ સર્જાય જ છે તેવામાં
સ્વામીએ અમદાવાદમાં રામ મંદિર અને અમદાવાદનું નામ બદલવાનો સળગતો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે અમદાવાદનું નામ બદલવું જોઈએ. જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ ભાજપ સરકારની બહુમતી છે તો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી નાખવું જોઈએ. રામમંદિર મુદ્દે સ્વામીએ જણાવ્યું કે રામ મંદિરનો વાયદો જે ભૂલી ગયા છે તેમને યાદ અપાવવું જોઈએ. આમ કહીને સ્વામીએ આડકતરી રીતે તો પોતાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
વધુમાં સ્વામીએ કહ્યું કે અમદાવાદને કર્ણાવતીનુ નામ હજુ સુધી નથી અપાયું તેમાં ગુજરાતની જનતાનો વાંક છે, અમદાવાદને કર્ણાવતી બનાવવા માટે ગુજરાતની જનતા આંદોલન કરે અને રહી વાત રામમંદિરના નિર્માણની તો રામમંદિરનુ નિર્માણ દિવાળી પછી શરૂ થશે, અમે કોર્ટમા જરૂર જીતીશુ.
ઇમરજન્સીના સાક્ષી રહેલા સ્વામી વારે તહેવારે ઇમરજન્સીને યાદ કરતા રહે છે અમદાવાદમાં પણ તેમને આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે અત્યારે ઇમરજન્સી ચાલે છે તેવી અમૂકલોકો માત્ર અફવાહ ફેલાવે છે અને હા ઇમરજન્સી હોય તો એ ઇમરજન્સી અમુક લોકો માટેજ છે. મોદી સરકાર સારું કામ કરી રહી છે. કહીને કેન્દ્રની મોદી સરકારની પ્રશંશાના પુલ બાંધ્યા હતા. અત્યારે દેશમાં રોજગારી મુખ્ય મુદ્દો બનીને ઉભરી રહી છે અને આગામી ચુંટણીમાં આ એક મહત્વનો મુદ્દો બની રહેશે?! તેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે રોજગારી મેળવવા કરતા આંતરપ્રેન્યોર મહત્વની છે.
આમ સ્વામી જ્યાં જાય ત્યાં વિવાદના મધપૂડાને સાથે લઈને જ જતા હોય એવું લાગે છે પણ હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદ વધુ વકરે છે કે નહીં, કરણ કે અમુક બિન રાજકીય સંગઠનો પણ અમદાવાદને કર્ણાવતી બનાવતા રોકવા માટે સરકારને આવેદન આપી ચુક્યા છે અને ભાજપ પ્રેરિત સંગઠનો પણ અમદાવાદને કર્ણાવતી બનાવવા માટે સરકારને આવેદન અને દબાણ કરી ચુક્યા છે. ભારતનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદની સ્થાપના ઇ.સ.૧૪૧૧ માં થઈ હતી, હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદની સ્થાપનાને આટલા વર્ષો વીત્યા પછી અમદાવાદનું નામ કર્ણાવતી થાય છે કે નહીં!