મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપ શિવસેનાની યુતિને મજબૂત બહુમતી મળી છે છતાં મહારાષ્ટ્રનું કોકડું ગૂંચવાયેલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 288 બેઠક માંથી ભાજપને 105, શિવસેના ને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્યના ખાતે 29 બેઠકો છે. વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠક જોઈએ જે કોઈપણ પાર્ટી પાસે નથી. એટલે કે કોઈપણ પાર્ટી કોઈપણ સમર્થન વગર સરકાર બનાવી શકવાની હાલતમાં નથી. ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પરંતુ સરકાર બનાવવા માટે પૂરતા આંકડા નથી.
બીજી તરફ શિવસેના દ્વારા ભાજપ પર શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. શિવસેનામાં ઠાકરે પરિવાર માંથી પહેલીવાર કોઈ વ્યક્તિ દ્વારા ચુંટણી લડવામાં આવી હતી અને તે છે શિવસેનાના યુવાન નેતા આદિત્ય ઠાકરે. આદિત્ય ઠાકરે દ્વારા પ્રથમ વખત વરલી બેઠક પરથી ચુંટણી લડી હતી અને તેમાં તેઓએ જીત પણ મેળવી હતી. શિવસેના દ્વારા આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે. અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર બેનર પણ લગાવવામાં આવી રહયા છે. પરંતુ ભાજપ આમ થાય તેમ ઇચ્છતું નથી. બસ વાત અહીંયા અટકી છે.
શિવસેના દ્વારા 50-50 ફોર્મ્યુલા પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે, અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી. પરંતુ ભાજપ દ્વારા હાલ આ મુદ્દે કોઈ ટીકા ટિપ્પણી કરવામાં આવી નથી તો બીજી બાજુ શિવસેના દ્વારા આ માંગ સાથે સાથે તેને ભાજપ દ્વારા લેખિતમાં આપવામાં આવેની માંગણી પણ કરી હતી તો ભાજપના એક નેતા દ્વારા ટકોર કરવામાં આવી કે અમારા ત્યાં આવો રિવાજ નથી કોઈને લખતા નથી આવડતું. તો શિવસેના દ્વારા અન્ય સંભાવનાઓ પણ તલાશવામાં આવશેની ટિપ્પણીએ રાજકીય ગરમાંગરમી વધારી દીધી છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં શિવસેનાના સંજય રાવતે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભાજપ કાગળ ફાડી શકે છે, ફાઈલો ઉપર આગ લગાવી શકે છે પરંતુ 50% 50% સરકાર બનાવવાનો જે વાયદો કર્યો હતો જે તેમના નિવેદનો માં શામેલ છે તેને કેવી રીતે ડીલીટ કરી શકશે? ભાજપે આપેલા વચનનું પાલન કરવું જોઈએ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા રામ ભગવાનનો જાપ જપે છે. રામ એટલે સત્ય! જેમ રામ સત્ય વચની હતા એમ ભાજપે પણ વચનભંગ ન કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, શિવસેના દ્વારા ભાજપ પર દબાણ લાવવા માટે તેમના મુખપત્રક સામના માં એક લેખ લખ્યો છે જેમાં શોલે ફિલ્મના એક ડાઈલોગનો સહારો લઈને લખ્યું છે કે, ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઈ! સામનામાં લખ્યું છે કે, મંદીના કારણે બજારોમાં કોઈ જ ધમધમાટ જોવા મળતો નથી. તહેવારના સમયે, ખરીદીમાં 30 થી 40 ટકાનો ઘટાડો થયો છે. કારખાનાઓ અને ઉદ્યોગો બંધ થવાની આરે છે, નોટબંધી અને જીએસટીના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. આવી સ્થિતિમાં કેન્દ્રનું કહેવું છે કે ખેડૂતો તેમની આવક બમણી કરશે.
વધુમાં આગળ લખ્યું છે કે, વિદેશી કંપનીઓને ઓનલાઇન શોપિંગનો લાભ મળી રહ્યો છે. બેંકો બંધ થઈ રહી છે. લોકો પરેશાન છે, વાતાવરણ વગરના વરસાદને પગલે ખેડૂતોનો તૈયાર પાક બગડ્યો છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે. દુર્ભાગ્યવશ, કોઈ પણ ખેડુતોને તેમાંથી બહાર કાઢવાનો વિચાર સુધ્ધા નથી કરી રહ્યું. શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનાવવા બાબતે વિવાદ છે ત્યારે સામનામાં પ્રકાશિત આ લેખ દ્વારા શિવસેના ભાજપ પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.