
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લલિત મોદી અને નિરવ મોદીને જોડીને એક નિવેદન આપ્યું હતું જે બાબતે ગુજરાત ભાજપ ધારાસભ્ય પુરણેશ મોદી દ્વારા સુરતમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઈ હતી જે બાબતે તેમનું સાંસદ સભ્ય પદ રાડ થયું હતું. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધીની સદસ્યતા ઉતાવળે રદ કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી ને લોકસભા સાંસદ તરીકે “ઉતાવળે” ગેરલાયક ઠેરવવા સામે સતત પોતાનો વિરોધ નોંધાવી રહી છે. આ દરમિયાન સાંસદ મનીષ તિવારીએ પાર્ટી નેતૃત્વને સૂચન કર્યું હતું કે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે. તેમના સૂચન પર, પાર્ટી નેતૃત્વએ તેમને નોટિસનો મુસદ્દો તૈયાર કરવા કહ્યું હતું અને મનીષ તિવારીએ મંગળવારે પાર્ટી નેતૃત્વને આ ડ્રાફ્ટ આપ્યો છે. પરંતુ હવે સૂત્રો કહે છે કે પાર્ટીએ હજુ સુધી તેના પર આગળ વધવાની જાહેરાત કરવાની બાકી છે કારણ કે નેતૃત્વ આ બાબતે સંપૂર્ણ ખાતરી કરવા માંગે છે કે અન્ય વિરોધ પક્ષો આ બાબતે સાથ આપશે કે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક વિપક્ષી પક્ષોના નેતાઓએ સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે રસ દાખવ્યો નથી, અને કોંગ્રેસ પાર્ટી તમામ વિપક્ષી પાર્ટીઓને આ બાબતે એક સાથે સહમત થઈને જ આ સમગ્ર મામલે આગળ વધવા માંગે છે. જો સમગ્ર વિપક્ષ આ બાબતે એક થશે તો જ સ્પીકર સામે કાર્યવાહી કરવામાં આવશે જેના કારણે વિપક્ષી ગઠબંધનમાં કોઈ તિરાડ ન પડે અને આગામી લોકસભા ચૂંટણીમાં સમગ્ર વિપક્ષી એકતા અખંડ રહે.

સ્પીકર સામે અવિશ્વાસ દરખાસ્ત ક્યારે આવી છે
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગૃહના ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપ્યા પછી જ કાર્યવાહી કરી શકાય છે. આ માટે જ્યારે પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે ત્યારે લોકસભાની કાર્યવાહી ચાલુ હોય તે જરૂરી છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછી, લોકસભાના અધ્યક્ષ ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે છે પરંતુ તેનું સંચાલન કરી શકતા નથી. સંસદનું બજેટ સત્ર એક સપ્તાહમાં સમાપ્ત થવાનું હોવાથી કોંગ્રેસ પાર્ટી સ્પીકર વિરુદ્ધ ઠરાવ લાવે તેવી શક્યતા ઓછી છે.

2020 માં, 12 વિરોધ પક્ષોએ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશને હટાવવાની માંગણી સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. પરંતુ તત્કાલીન અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ તેને આ આધાર પર નકારી કાઢ્યું હતું કે પ્રસ્તાવને 14 દિવસની નોટિસ અવધિ આપવી જોઈતી હતી અને તે “યોગ્ય ફોર્મેટ”માં નથી. આ પહેલા, સ્પીકરને હટાવવાની માંગ કરતા ઠરાવ ઓછામાં ઓછા ત્રણ વખત લાવવામાં આવ્યા છે. 1. 1951માં પ્રથમ લોકસભા સ્પીકર જી.વી. માવલંકર સામે, 2. 1966માં સરદાર હુકમ સિંહ સામે અને 3. 1987માં બલરામ જાખર સામે.