
દેશમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે આ વખતે રાષ્ટ્રિય મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. એક દેશ એક ભાષાના ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન બાદ ખુદ તેમની પાર્ટીના નેતાઓ પણ આ ફોર્મ્યુલાનો વિરોધ કરતાં નજરે પડી રહ્યા છે. દક્ષિણ ભારત માં વર્ષોથી હિંદી ભાષા સામે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે જેને હવે ગૃહ મંત્રીના નિવેદને આગચંપી કરી છે. તેમની જ પાર્ટીના મુખ્યમંત્રી તેમની સામે પડ્યા છે અને હિંદી થોપી બેસાડવાનો વિરોધ કર્યો છે.

અમિત શાહ દ્વારા હિન્દી દિવસે એક કાર્યક્રમમાં એક રાષ્ટ્ર એક ભાષાના ફોર્મ્યુલાનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક દેશ એક ભાષાની જરૂરત છે જેથી વિદેશી ભાષાઓને જગ્યા ના મળે. આને યાદ રાખીને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી અને હિંદીનો સ્વીકાર કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હિંદી દિવસના દિવસે આપણે આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. દુનિયામાં કેટલાય દેશ છે જેમની ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. જે દેશ પોતાની ભાષા છોડે છે તેનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જાય છે. જે દેશ પોતાની ભાષા નથી બચાવી શકતા તે પોતાની સંસ્કૃતિનું પણ રક્ષણ નથી કરી શકતા. હું માનું છું કે હિંદીનો પ્રચાર પ્રસાર કરવો, તેમાં સંશોધન કરવું, તેના વ્યકરણનું શુદ્ધિ કરણ કરવું, હિંદી સાહિત્યને નવ યુગમાં લઇ જવું ભલે તે ગદ્ય હોય કે પદ્ય તે આપણું દાયિત્વ છે.

ગૃહ મંત્રી અમિત શાહના આ નિવેદનનો તેમની પાર્ટીના મુખ્ય નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુંરપ્પા દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો. યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આપણા દેશમાં બધી સત્તાવાર ભાષાઓ સમાન છે. પરંતુ જ્યાં સુધી કર્ણાટકની વાત છે ત્યાં સુધી કન્નડ મુખ્ય ભાષા છે. અમે તેના મહત્વ સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં, અમે રાજ્યની કન્નડ સંસ્કૃતિના પ્રોત્સાહન અને રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે અમિત શાહે હિન્દી ભાષા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે જો કોઈ પણ ભાષા દેશને એકીકૃત કરી શકે છે, તો તે હિન્દી છે.

કર્ણાટક ભાજપ નેતા બીએસ યેદીયુરપ્પા દ્વારા હિંદીના વિરોધ બાદ કર્ણાટકના વિપક્ષી નેતાઓએ પણ અમિત શાહના નિવેદનને રાજ્ય પર હિન્દી લાદવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ના માત્ર કર્ણાટક પરંતુ દક્ષિણ ભારત ના લગભગ તમામ નેતાઓ દ્વારા અમિત શાહના નિવેદનનો વિરોધ કરવા આવ્યો. જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી હતી કે 2020 થી ‘હિન્દી દિવસ’ ની સાર્વજાનીક ઉજવણી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે 2024ની લોકસભાની ચુંટણીઓથી હિંદી ભાષા નવી ઉંચાઈઓ હાંસલ કરશે. અમિત શાહે લોકોને હિન્દી ભાષામાં જોડાવા અને તેને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય તે દિશામાં કામ કરવા અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ઓછામાં ઓછા તેમના બાળકો સાથે હિન્દીમાં વાત કરે. તેમણે કહ્યું કે કોઈ પણ ભાષા જ્યાં સુધી લોકો ગૌરવ સાથે બોલે ત્યાં સુધી જીવંત રહે છે.

દક્ષિણ ભારત માં કર્ણાટક બાદ તામિલનાડુમાં ડીએમકે નેતા સ્ટારલીને અમિત શાહના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે, અમે સતત હિંદી ભાષા થોપવાનો વિરોધ કરતાં આવ્યા છીએ. ગૃહ મંત્રીના નિવેદને અમને ઝટકો આપ્યો છે. આનાથી દેશની એકતા પર અસર થશે. ગૃહમંત્રીએ પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ. બીજી તરફ એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવેસીએ પણ અમિત શાહના નિવેદનનો વિરોધ કરતાં જણાવ્યું કે, હિંદી એ દરેક ભરતીઓની માતૃભાષા નથી. સંવિધાને દરેકને અલગ ભાષા, લિપિ અને સંસ્કૃતિના હક અધિકાર આપ્યા છે. ભારત હિંદી, હિંદુ અને હિન્દુત્વ કરતાં ઘણું મોટું છે. તો એમડીએમકે પ્રમુખ વાઇકો એ પણ કહ્યું કે, ભારતમાં જો હિંદી થોપવામાં આવી તો દેશ વહેંચાઈ જશે અને આપણી પાસે માત્ર હિંદી ઇન્ડિયા રહેશે.

દક્ષિણ ભારત ના રાજ્યોમાં હિંદી વિરોધના વંટોળને ભાંપી જઈને અમિત શાહને કહેવું પડ્યું કે, હિન્દીને માતૃભાષા પર થોપવાની વાત નથી કહી, મેં તો માત્ર હિંદીને બીજી ભાષા તરીકે શીખવાની વાત કહી હતી. jઅનાવી દઈએ કે, હિન્દી ભાષાનો વિરોધ આજ કાલનો નથી પરંતુ હિંદીને સર્વમાન્ય ભાષા માનવાનો વિરોધ વર્ષ 1937 થી તમિલનાડુમાં શરૂ થયો હતો અને જ્યારે 1963 માં સંસદમાં આ અંગે સત્તાવાર ભાષા બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે રાજ્યસભાના તે સમયના સાંસદ અને ડીએમકે નેતા અન્નદુરાઇએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. આ અંગે સંસદમાં સત્તાવાર ભાષા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે તે સમયના મદ્રાસ રાજ્યના રસ્તાઓ પર તે બિલ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા અને મદુરાઇમાં તો તોફાનો ફાટી નીકળ્યા હતા. આખરે, તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને રાજ્યમાં હિન્દી આવશ્યક કરતાં અલગ ત્રિભાષીય સૂત્ર લાગુ કરવાની જાહેરાત કરવી પડી હતી.