બે દિવસથી ગુજરાત ભાજપ માં ઘમાસાણ ચાલી રહ્યું છે અને મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને ગુજરાતનું રાજકીય વાતાવરણ કડકડતી ઠંડીમાં ગરમાઈ ગયું છે. હાડ થિજાવતી ઠંડીમાં ભાજપને પરસેવો વળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના મૂળમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર છે. કેતન ઈનામદાર દ્વારા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી હતી. આમ પણ હાલની વિધાનસભામાં ભાજપ પહેલા જેટલી મજબૂત પરિસ્થિતિમાં નથી. ભાજપ પાસે હાલ કેતન ઈનામદારને ગણીને 103 ધારાસભ્યો છે વિપક્ષ કોંગ્રેસ પાસે અપક્ષ થઈને 77 ધારાસભ્યો છે. બે બેઠક દ્વારકા અને મોરવાહડફ ખાલી છે.
આવી પરિસ્થિતિમાં ભાજપનો એક પણ ધારાસભ્ય ઓછો થાય તો નુકશાન કારક છે હમણાંજ પેટાચૂંટણીમાં ભાજપે પોતાની 15 વર્ષથી એકહથ્થુ શાશન ધરાવતી થરાદ બેઠક ગુમાવી છે તો અમરાઈવાડી બેઠક માંડ માંડ જીત્યા છે ત્યારે ભાજપને એક એક સીટની કિંમત હાલ સમજાઈ રહી છે. કેતન ઈનામદારના રાજીનામાને માત્ર થોડાજ કલાકો બાદ સમગ્ર મધ્ય ગુજરાત માંથી ભાજપ પર રાજીનામાંનો વરસાદ થયો હતો અને ભાજપ સાથે સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ભીંસમાં આવી ગયા હતા. ભાજપનું મધ્ય ગુજરાતનું સંગઠન કેતન ઇનામદારના સમર્થનમાં આવી ગયું હતું અને કેતન ઈનામદારની પડખે એક દીવાલ બનીને ઉભું થઈ ગયું હતું.
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાથી મધ્ય ગુજરાત ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કેતન ઈનામદારના સમર્થનમાં આશરે 300થી વધારે સભ્યોએ ફટાફટ એક પછી એક રાજીનામાનો વરસાદ કરી દીધો હતો. ધડાધડ રાજીનામા પડવાને કારણે ભાજપ પ્રદેશ સંગઠન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ ડઘાઈ ગયા હતા. ખુદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને આ આંતર કલહ શાંત કરવા માટે મેદાને આવવું પડ્યું હતું. કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી-ડેસર ભાજપના 300થી વધુ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. દિલ્લી હાઇકમાન્ડ દ્વારા પણ પ્રેશર બની રહ્યું હતું.
સાવલીના ભાજપ તાલુકા પ્રમુખ મહિપત સિંહ રાણા સહિતના અગ્રણીઓએ, સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના મોટાભાગના સભ્યોએ, ડેસર એપીએમસીના પ્રમુખ સહીત ૧૪ ડિરેકટરોએ, વડોદરા જિલ્લા પંચાયત તાલુકાના ૪ સભ્યોએ, ૪૦ જેટલા ગ્રામ પંચાયતોના સરપંચોએ એક પછી એક રાજીનામા ધરી દીધા હતા. એક જ દિવસમાં આટલાં બધાં રાજીનામાં પડતા ભાજપ સંગઠન હરકતમાં આવી ગયું હતું. ભાજપનો ગઢ ગણવામાં આવતાં મધ્ય ગુજરાતને સાચવી લેવા માટે દિલ્લીથી પણ પ્રેશર બની રહ્યું હતું. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી વડોદરા બેઠક પરથી લડ્યા હતા અને પ્રધાનમંત્રી બન્યા હતાં.
જો કે આ તમામ પાછળ સરકાર અને સંગઠનમાં પોતાનો અવાજ મજબૂત કરવાનો ઈશારો સ્પષ્ટ જણાતો હતો. જેમાં ભાજપને નમવું પડે તેવી પરિસ્થિતિ જ હતી જો ભાજપ અક્કડ અને અડગ વલણ દાખવે તો આ આંતર કલહનો લાભ ક્યાંકને ક્યાંક કોંગ્રેસને મળે અને કેતન ઈનામદાર પોતે પણ સક્ષમ નેતા છે જે અપક્ષ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે અને વર્ષ 2012માં અપક્ષ ચૂંટણી લડી જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2012માં તેઓ એકલા જ એવા ધારાસભ્ય હતાં જે અપક્ષ જીતી શક્યા હતાં. કેતન ઈનામદાર જમીન સાથે જોડાયેલા નેતા છે અને એકલા હાથે તેમણે સંગઠન ઉભું કર્યું છે જો કેતન ઈનામદારને મનાવવામાં ના આવેત તો ભાજપમાં મોટું ભંગાણ પડી જાત જે સંગઠનની ખાઈ ક્યારેય પુરી શકાય તેમ ના હોત.
- આ પણ વાંચો
- ગુજરાત ભાજપ મોટાપાયે ડખો! કેતન ઇનામદાર જ નહીં, આ ધારાસભ્યો પણ..!
- જો વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી બને તો ગુજરાત મુખ્યમંત્રી કોણ બનશે? જાણો!
- હાર્દિક પટેલ ની ધરપકડ બાદ મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે! જાણો કેમ!
- CAA કારણે ભાજપમાં મોટું ભંગાણ! સહયોગી પાર્ટીએ ચૂંટણી લડવાનો પણ કર્યો ઈન્કાર!
- ભાજપ માં ભડકાના એંધાણ! આ રાજ્યમાં બગડી શકે છે સંતુલન! જાણો!