
ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી ની જાહેરાત થઈ છે અને આજે ફોર્મ ભરવાનો છેલો દિવસ છે. ગત સાંજે કોંગ્રેસ દ્વારા 6 માંથી 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા મોડી રાત્રે તમામ 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેના માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24મીએ પેટા ચુંટણી ના પરિણામ આપવમાં આવશે. આ વખતે પેટા ચુંટણી માં ખરાખરીનો ખેલ જામશે. ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી જીતવા આકાશ પાતાળ એક કરશે એ નક્કી છે.

આજે ફોર્મ ભરવાનો છેલો દિવસ હોઈ ભાજપના તમામ 6 બેઠકો પરના ઉમેદવારો આજે સવારે ફોર્મ ભરશે. સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ બીજા 2 ઉમેદવારો જાહેર કરીને તમામ 6 ઉમેદવારો આજે સવારે ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા જતી વખતે ઢોલનગારા સાથે નીકળશે અને ભવ્ય બનાવશે. અને ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. આંતરિક ખેંચતાણના લીધે આ ભાજપને આ પેટા ચુંટણી માં ફટકો પડવાના એંધાણ છે પરંતુ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવતા આ વિરોધ અને વિદ્રોહને ડામી દેવામાં આવ્યો હોય તેવું હાલ પૂરતું તો લાગી રહ્યું છે.

ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો, ભાજપ દ્વારા ગત મોડી રાત્રે તમામ 6 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી જેમાં, થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવકને ટિકિટ આપવામાં આવી હતી જે તમમાં આજે સવારે વિજય મુર્હતમાં ફોર્મ ભરશે. અને જેમાં ભાજપના 6 ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ, મંત્રીઓ હાજર રહેશે.

ભાજપ સંગઠન દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે પ્રદેશના નેતાઓએ હાજર રહેવું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ સહિત તમામ કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે. રાધનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ હાજર રહેશે. થરાદમાં ઇશ્વર પરમાર અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. ખેરાલુમાં નીતિન પટેલ, વિભાવરી દવે હાજર રહેશે. લુણાવાડામાં જયેદ્રસિંહ પરમાર, ભરતસિંહ પરમાર હાજર રહેશે. અમરાઇવાડીમાં કૌશિક પટેલ, આર.સી.ફળદૂ હાજર રહેશે. બાયડમાં પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા હાજર રહેશે.

ભાજપે મોડી રાત્રે તમામ ઉમેદવાર જાહેર કર્યા એ પહેલાં કોંગ્રેસ દ્વારા 4 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં બાયડથી જશુભાઇ પટેલ, થરાદથી ગુલાબસિંહ રાજપુત, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી. જે આજે સવારે ફોર્મ ભરવાનો છેલો દિવસ હોઈ વિજય મુર્હતમાં ફોર્મ ભરશે. સાથે સાથે કોંગ્રેસ દ્વારા બાકી બે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવશે અને એ બંને ઉમેદવારો પણ અજે ફોર્મ ભરશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને ભાજપ માટે વિધાનસભાની ખાલી પડેલી બેઠક જીતવી એ પ્રતિષ્ઠા ભર્યો જંગ છે. કોંગ્રેસ દ્વારા વધારેમાં વધારે બેઠક જીતવાના પ્રયત્નો થશે તો ભાજપ દ્વારા તમામ 6 બેઠક જીતવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવશે. બંને પાર્ટીઓ માટે વિધાનસભામાં પોતાનું કદ જોતાં પેટા ચુંટણી માં વધારે સીટ જીતવી જ પડે એવી પરિસ્થિતિ છે. ભાજપ પાસે મેજોરીટી છે એમ બે મત નથી પરંતુ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ આ વખતે દરવખત કરતાં વધારે મજબૂત સ્થિતિમાં છે.