
સુરત ના જકાતનાકા વિસ્તારમાં ચાલતા એક ટ્યુશન કલાસીસમાં આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ૨૦ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ જઘન્ય ઘટના બાદ સુરત સમેત સમગ્ર ગુજરાતમાં પીડિતો અને તેમના પરિવારો માટે સાંત્વના સાથે સાથે સરકાર અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક પગલા ભરવા લોકોએ માંગણી કરી હતી.

પરંતુ ઘટનાને ૨૪ કલાક કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ ખાસ કામગીરી કરવામાં ના આવતા પાટીદાર અનામત આંદોલનના ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી અને તંત્રને ખરી ખોટી સંભાળવવામાં આવી હતી.

હાર્દિક પટેલ દ્વારા સોસીયલ મીડિયા માધ્યમ ટ્વીટર દ્વારા ટ્વીટ કરીને સરકારી તંત્ર સામે પોતાની વ્યથા ઠાલવી હતી અને આજે હાર્દિક પટેલ સુરત જઈને પીડિત પરિવારોની મુલાકાત લેશે તેની જાણકારી પણ સોસીયલ મીડયા મારફતે આપી હતી.

હાર્દિક પટેલ દ્વારા તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું કે, સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીય બાળકોના પરિવારને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું સુરતના મેયરનું રાજીનામું લેવામાં આવે અને ગેરકાનૂની બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપનાર અધિકારી અને સમય પર ઘટના સ્થળ ન પહોંચાડનારા ફાયર ફાયર બ્રિગેડના અધિકારીઓ પર કેસ કરવામાં આવે.

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, જો ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગીય બાળકોના પરિવારને ન્યાય નહિ આપે તો આજ સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કચેરીની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજેપી ભાજપ વિજયોત્સવમાં વ્યસ્ત છે. સુરતની જનતા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્ષ વસુલવામાં આવે છે પણ સુવિધા નથી આપવામાં આવતી.

અંતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, સુરત માં આગની ઘટના પછી મને એમ હતું કે ગુજરાત સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હું સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગસ્થ બાળકોના પરિવારોને ન્યાય અપાવીશ અને જે અધિકારીઓ તેમની જવાબદારીથી ભાગી રહ્યા છે તેમને સજા અપાવીને રહીશ. જાય હિન્દ.

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રાહત કાર્ય શરુ કરવામાં આવ્યું હતું અને પીડિત પરિવારને પણ ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જવાબદાર તંત્ર સામે પગલા લેવાની લોકમાંગણી સામે સરકારે રસ ના દાખવતા હાર્દિક પટેલ ધુંઆપુંઆ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ૨૪મી તારીખે સુરતના જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લગતા વિદ્યાર્થીઓમાં નાસ ભાગ મચી હતી જેમાંથી કેટલાકે બચવા માટે બારી માંથી છલાંગ લગાવી હતી. આ અગ્નિકાંડમાં ૨૦ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા.