
જમ્મુ કાશ્મીર માં આર્ટિકલે 370 હટાવવામાં આવતાં પરિસ્થિતિ તંગ બની હતી પરંતુ સુરક્ષાબળોના મેનેજમેન્ટના કારણે હાલ પરિસ્થિતિ સમાન્ય બન્યાના સમાચાર છે. ગઈ કાલે ઈદની ઉજવણી પણ શાંતિપૂર્ણ રીતે થઈ હતી. લાખો લોકોએ એક સાથે ઈદની નમાજ પણ અદા કરી હતી. પરંતુ બીબીસી ન્યુઝ દ્વારા જમ્મુ કાશ્મીર માં હિંસા અને સુરક્ષાબળ દ્વાર હવામાં ફાયરિંગનો એક વિડીયો જારી કરવમાં આવ્યો હતો તે બાદ વાતાવરણ ગરમાયુ હતું અને પરંતુ સરકારે આ અંગે સ્પષ્ટ નિવેદન જાહેર કર્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનો અને કાશ્મીરીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયું નથી.

આ બાબતે રાહુલ ગાંધી દ્વારા ટ્વિટ કરીને સરકાર અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને વિનંતી કરી અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના લોકોની સુરક્ષામાટે અરજન્ટ પગલાં ભરવામાં આવે અને જમ્મુ કાશ્મીરમાં સરકારે કરેલા ટોટલ બ્લેકઆઉટને દૂર કરીને પરિસ્થિતિ ને સામાન્ય કરવામાં આવે. ત્યાર બાદ રાહુલ ગાંધી તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં આવેલા ભયંકર પુરના કારણે થયેલી જાનહાનીની સમીક્ષા કરવા માટે વાયનાડ પહોંચ્યા હતા. આજે રાહુલ ગાંધી પાછા દિલ્લી આવ્યા છે ત્યારે આ મામલે રાજનીતિ ગરમાઈ તેવું લાગી રહ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન બાબતે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા જણાવવામાં આવ્યું કે, “જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને રાહુલ ગાંધીને તે જોવા આવવું હોય તો તેઓ માટે સ્પેશિયલ એરક્રાફ્ટ મોકલી આપુ રાહુલ ગાંધી તેમની જ આંખે જોઈ લે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ.” જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ બાબતે બીબીસી ન્યુઝના એક વિડીયો દ્વારા રાજકારણ ગરમાઈ ગયું છે અને સરકાર દ્વારા સબ સલામતના દાવા પોકળ છે તેવા સમાચારો વહેતા થયા છે. સરકાર દ્વારા બીબીસી ન્યુઝના રિપોર્ટને ખોટો જણાવવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનને લઈને આજે રાહુલ ગાંધી એ પ્રતિક્રિયા આપી હતી કે, “વિપક્ષી દળના એક પ્રતિનિધિ મંડળ સાથે હું પોતે જમ્મુ કાશ્મીર અને લદાખની મુલાકાત લઈશ, તમે માત્ર એ સુનિશ્ચિત કરો કે જ્યારે અમે કાશ્મીર ઘાટી આવીએ ત્યારે દરેકને મળી શકીએ.” મતલબ રાહુલ ગાંધી દ્વારા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા કાશ્મીરમાં પરિસ્થિતિ જોવા આવવાની પેશકશ કરી હતી એ સ્વીકાર કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં વિપક્ષી દળના ડેલીગેશન સાથે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિનો તાગ મેળવવા જઇ શકે છે.

આ બાબતે કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન પર ટ્વિટ કરીને જણાવ્યું કે, માત્ર રાહુલ ગાંધી જ કેમ? મેં લોકસભામાં કોંગ્રેસ પાર્ટી તરફે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ઓલ પાર્ટી ડેલીગેશનને કાશ્મીરમાં હાલત જોવા માટે મોકલવામાં આવે. આ બાબતે રાજ્યપાલે વ્યવસ્થા કરવી જોઈએ. રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. બીબીસી ન્યુઝના રિપોર્ટ તેમાં ઘી પુરવાનું કામ કર્યું છે. પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે સબ સલામત છે અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગત 4 ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા રાજ્યસભા અને 5 ઓગસ્ટના રોજ લોકસભામાં જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો હતો અને જમ્મુ કાશ્મીરને બે રાજ્યોમાં વહેંચવાનો અયોતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ બંને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ગઠન થશે અને લદાખમાં વિધાનસભાનું ગઠન થશે નહીં તમામ વહીવટ કેન્દ્રાસરકારને હસ્તક રહેશે.