દેશની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે. અને મોદી સરકાર પાસે તેને સુધારવાના પગલાં નથી. તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામના પતિ દ્વારા પણ મોદી સરકાર ને ડૉ. મનમોહનસિંહ ના રસ્તે અને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં પર ચાલવા માટે જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં નોબેલ પારિતોષિક વિજેતા અભિજીત બેનર્જી દ્વારા પણ મોદી સરકાર ને દેશની આર્થિક સ્થિતિ અંગે ચેતવવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ સમય માંથી પસાર થઈ રહી છે.
હવે મોદી સરકાર ને વધુ એક ઝટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (IMF) વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.1 કરી દીધો છે. જે લગભગ 1.2 ટકા જેટલો ઓછો છે. આ વર્ષના એપ્રિલમાં જાહેર કરાયેલા અનુમાન મુજબ આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા જેટલો હતો. જે ઘટાડીને હવે 6.1 ટકા જેટલો કરી દેવામાં આવતાં મોદી સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓ દેશની ખરાબ આર્થિક સ્થિતિ માટે નોટબંધી અને જીએસટી ને મુખ્ય કારણ ગણે છે. જેણે દેશની કમર તોડી નાખી.
નોબેલ પારિતોષિક વિજેતા અભિજીત બેનર્જીએ નોટબંધી કરવામાં આવી હતી ત્યારે સરકારની ટીકા કરી હતી અને અનુમાન કર્યું હતું કે નોટબંધી જેવા નિર્ણયને કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. તેવી જ રીતે જાણીતા અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા પણ સરકારને આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. તો બીજી તરફ રઘુરામ રાજન પૂર્વ ચેરમેન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એ પણ નોટબંધી અને જીએસટી અંગે સવાલો ઉભા કર્યા હતા. અને દરેક અર્થશાસ્ત્રીઓના અનુમાન સાચા પડ્યા છે દેશની આર્થિક પરિસ્થિતિ હાલ મોદી સરકાર માટે એક પડકાર છે.
આજ વર્ષમાં જુલાઇમાં આઇએમએફે ભારત માટે ધીમી વૃદ્ધિ દરની સંભાવના દર્શાવી હતી અને જીડીપી વૃદ્ધિ દરને 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો હતો. એટલે કે 0.3 ટકા નો ઘટાડો કર્યો હતો તો સાથે સાથે આઇએમએફ દ્વાર વર્ષ 2019માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન પણ ઘટાડીને 3 ટકા કર્યું હતું. જે ગત વર્ષે 3.8 ટકા હતું. આમ એક પછી એક મોદી સરકાર ને આર્થિક નીતિ મુદ્દે ઝટકા પર ઝટકા આવી રહ્યા છે. તો બીજી તરફ નાણામંત્રી પાસે હાલ પુરતી આ અંગે કોઈ યોજના હોય તેમ લાગતું નથી.
આ ઉપરાંત ભારતને વધુ એક ફટકો આપતાં આઇએમએફે ભારતના FY20 ગ્રોથ અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. FY20માં અનુમાન 7 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો. એટલે FY20 ગ્રોથ અનુમાનમાં 0.90 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ આઇએમએફે કહ્યું કે, ભારતે કમજોરીને દૂર કરવા માટે MPC, મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની પણ મદદ લેવી જોઇએ. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ઘરેલૂ માંગ માટે આશા કરતા વધારે કમજોર પરિદ્દશ્યને કારણે વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કરાયો છે.
આર્થિક રીતે ભારતનું રેટિંગ ઘટાડનાર ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (IMF) જ નહીં પરંતુ આ પહેલા વિશ્વ બેન્કે (World Bank) પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ અનુમાન ઘટાડ્યો હતો. અને વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતનો વિકાસ દર 6 ટકા જેટલો રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, રઘુરામ રાજન, ડૉ. મનમોહનસિંહ, નોબેલ પારિતોષિક વિજેતા અભિજીત બેનર્જી તથા અન્ય આર્થિક સલાહકારો તેમજ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ દ્વારા નોટબંધી અને જીએસટી અંગે સરકારને ચેતવણી આપી હતી પરંતુ સરકાર દ્વારા ઉતાવળે આ નિર્ણયો લેવામાં આવ્યા હતા ક્યાંકને ક્યાંક આજના દેશના આર્થિક હાલત માટે આ પરિબળોને અર્થશાસ્ત્રીઓ માને છે.