ગુજરાત વિધાનસભાની 6 જેટલી ખાલી પડેલી બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યની વિધાનસભા ચુંટણી સાથે પેટા ચુંટણી યોજાઈ હતી. જેનું પરિણામ ગઈ કાલે એટલે કે 24 ઓકટોબરના રોજ આવ્યું હતું. જેમાં તમામની નજર માત્ર બાયડ અને રાધનપુર બેઠક પર હતી. ગુજરાતની તમમાં બેઠકો કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે ચર્ચાસ્પદ બેઠક ગણો તો રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક હતી. આ બંને બેઠક એટલે પણ ચર્ચામાં છે કે, બંને બેઠકના ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પહેલા કોંગ્રેસમાં હતાં અને કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને હરાવવા માટેની તૈયારીઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપ પ્રવેશ થયાના દિવસથી જ શૌ કરી દેવામાં આવી હતી. તે સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વાર મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ રાધનપુર અને બાયડ બેઠક આરામથી જીતી જશે. ત્યારે કેટલાક લોકો તેમની આ રણનીતિ સમજ્યા વગર અલ્પેશ ઠાકોર જીતશેની માળા જપતા હતાં. પરંતુ પરિણામના દિવસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાત સાચી ઠરી કોંગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદમાં પણ જીત મેળવી લીધી છે.
અલ્પેશ ઠાકોરની હારના કિંગ મેકર
ગેનીબેન ઠાકોર : ગેનીબેન ઠાકોર ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર કરતાં વધારે વર્ચસ્વ અને માનસમ્માન ધરાવે છે. ગેનીબેન ઠાકોર સમાજમાં સામાજિક કામ કરીને ઉપર આવેલા એક માત્ર માહિલાનેત્રી છે. કોંગ્રેસ દ્વારા ગેનીબેનને રાધનપુરમાં તમામ જવાબદારી સોંપવામાં આવી હતી. ગેનીબેન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અલ્પેશ ઠાકોર જીતી શકશે નહીં. બીજી તરફ અલ્પેશ ઠાકોર મંત્રી બનીશ, મુખ્યમંત્રીની બાજુમાં મારી ઓફીસ હશે, રજુઆત નહીં હુકમ થશે, લીલી પેનથી હુકમ થશે જેવી શેખીઓ મારતાં હતાં અને ગેનીબેન સાઇલેન્ટ કિલર બનીને કામ કરતાં હતાં.
બળદેવજી ઠાકોર ધારાસભ્ય કલોલ: ઠાકોર સમાજમાંથી આવતાં ફાયરબ્રાન્ડ નેતા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને રાધનપુરમાં પ્રચાર કામગીરી આપીને કોંગ્રેસ દ્વારા વધુ એક માસ્ટરસ્ટ્રોક રમવામાં આવ્યો હતો. બળદેવજી દ્વારા કડક પ્રચાર કરીને અલ્પેશ ઠાકોરને તેમના ભાષનો દ્વારા ઘેરવામાં આવ્યા. બળદેવજી દ્વારા વિવાદાસ્પદ નિવેદન કરીને અલ્પેશ ઠાકોરને જવાબ આપવા આવું પડે એવા માસ્ટરસ્ટ્રોક રમ્યા. જેમકે બળદેવજી એ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર મારા વેવાઈનો દીકરો છે હું એને સારી રીતે ઓળખું છું. જે બાદ અલ્પેશ ઠાકોરે કહેવા આવું પડ્યું હતું કે તે મારા સંબંધી નથી. ત્યારે બળદેવજી ઠાકોરે કહ્યું કે અલ્પેશ સાબિત કરે તો હું રાજકારણ છોડી દઈશ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાષણનું કામ બળદેવજીને સોંપ્યું હોય તેમ પોતે માત્રને માત્ર વ્યૂહરચના અને મેનેજમેન્ટ જોતા હતા. ક્યાંય કાચું કપાય નહીં અને અલ્પેશને જીતવાની તક મળે નહીં તેનું ખાસ ધ્યાન અમિત ચાવડા દ્વારા રાખવામાં આવ્યું હતું. તેમનું સખત મેનેજમેન્ટ અને કોને કઈ જવાબદારી સોંપવી તે અલ્પેશ ઠાકોરની હાર માટે નિર્ણાયક સાબિત થઈ. બીજી તરફ ટિકિટ કોને આપવી તેની પસંદગીમાં પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા અહમ રોલ નિભાવવામાં આવ્યો હતો. રઘુ દેસાઈ જેવા મજબૂત અને ખમતીધર વ્યક્તિને પસંદ કરીને અમિત ચાવડા એ જીતવાના સંકેત તો પહેલાથી જ આપી દીધા હતાં પરંતુ અલ્પેશ ઠાકોર આ સંકેત સમજી શક્યા નહી.
ગુજરાત વિધાનસભા વિપક્ષનેતા પરેશ ધનાણી: પરેશ ધનાણી પણ અમિત ચાવડાની જેમ સાઇલેન્ટ થઈને કામ કરતાં હતાં. મીડિયામાં અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતાઓની જેમ ખોટી શેખીઓ મારવાની જગ્યાએ પરેશ ધનાનણી દ્વારા સાઇલેન્ટ થઈને અલ્પેશની ગેમ કરી નાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. અમિત ચાવડા અને પરેશ ધનાણીની જુગલબંધીની કસોટી હતી આ પેટાચુંટણી જેમાં બને ખરા ઉતર્યા છે. મીડિયાના લોકો બંને વચ્ચે ખટરાગ હોવાનું જણાવતાં હતાં પરંતુ આ પેટાચુંટણીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનેતા પરેશ ધનાણી દ્વારા તમામ દવા ખોટા સાબિત કરીને જબરદસ્ત રણનીતિ ઘડીને અલ્પેશને ઘરભેગો કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને હરાવવા માટેની તૈયારી તેમના ભાજપ પ્રવેશ સાથે જ શરૂ કરી દેવામાં આવી હતી. દરેકને મહત્વની જવાબદારી સોંપીને અલગ જ રણનીતિ તૈયારી કરી હતી. ગેનીબેન સાઇલેન્ટ થઈને મતદારો સુંધી પહોંચીને કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને મત આપવા માટેની અપીલ કરતાં હતાં તો કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા અલ્પેશને ભાષણોમાં વ્યસ્ત રાખવામાં આવ્યા હતાં તેમજ તેમની ગામઠી ભાષામાં મતદારોના મનમાં અલ્પેશ ઠાકોરની સાચી છબી રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામનું મેનેજમેન્ટ અને ક્યાંય કાચું ના કપાય તે જોવાની તમામ જવાબદારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધનાણી એ સ્વીકારી હતી.