
પાલિકા પંચાયતોના પ્રમુખનો અઢી વર્ષના કાર્યકાળના કાયદા સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પંચાયત એક્ટમાં સુધારો કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન માં પ્રમુખની ટર્મ અઢી વર્ષ કરતા આ જોગવાઈને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જે કેસમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે.
આ કાયદો બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે.
ભાવનગરના જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટ સમક્ષ કરાયેલી પિટિશન માં રજુઆત કરવામાં આવી છે કે, સરકારે પંચાયત એક્ટની કલમ 81 અને 81(2)માં સુધારા કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રમુખની સમયમર્યાદા અઢી વર્ષની કકરી છે જોકે બંધારણ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખની અવધિ 5 વર્ષ છે. આમ બંધારણથી વિપરીત હોય તેવો કાયદો બનાવી શકાય નહીં. આ સંજોગોમાં સરકારે કાયદામાં કરેલા સુધારાને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ.
આ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજ્યસરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 26 જુલાઈના રોજ મુકરર કરી છે.