લોકસભામાં ગઈકાલે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ બહુમતીના આધારે પાસ થયું. અને આ બીલની ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. ચર્ચામાં ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ કોંગ્રેસ નેતા મનીષ તિવારી અમને સામને આવી ગયા હતા. લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ અંગેની ચર્ચાના જવાબમાં શાહે આરોપ લગાવ્યો હતો કે દેશના ધાર્મિક વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર છે. મનીષ તિવારીએ સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ગૃહ પ્રધાનને અમારી સલાહ છે કે તેમણે ઇતિહાસને બરાબર વાંચવો જોઈએ.” કોંગ્રેસ દ્વારા ગૃહમાં પણ અમિત શાહના આનિવેદન અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહના વિવાદાસ્પદ “દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર” વાળા નિવેદન પર રાજકારણ ગરમાઈ ગયું છે. લોકસભામાં અને લોકસભાની બહાર પણ આ નિવેદન બાબતે ચર્ચાએ જોર જમાવ્યું છે. આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારી એ ભાજપ નેતા અમિત શાહ સામે બાંયો ચડાવી છે. તેમણે અમિત શાહને જવાબ આપતાં જણાવ્યું હતું કે, અમિત શાહે ઇતિહાસ બરોબર વાંચવો જોઈએ. મનીષ તિવારી એ કેટલાક લેખો અને નિવેદનો ટાંકીને દાવો કર્યો હતો કે, બે રાષ્ટ્રનો સિધ્ધાંત ફક્ત મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા દ્વારા આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતાએ એવો દાવો પણ કર્યો હતો કે, “હિન્દુ મહાસભા અને આરએસએસના ઘનિષ્ઠ સંબંધો હતા. એક તરફ કોંગ્રેસના નેતાઓ આઝાદી માટે લડત લડીને જેલ જતાં હતાં ત્યારે બીજી બાજુ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે આઝાદી પહેલાં કેટલાક પ્રાંતોમાં ગઠબંધનની સરકારો રચી હતી અને તેમની વચ્ચે ઐતિહાસિક સંબંધો હતા. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ સરકાર રચવામાં વ્યસ્ત હતા અને કોંગ્રેસના નેતાઓ આઝાદીની લડત લડતા અને જેલમાં જતા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારી એ ભાજપને પડકાર દેશની આઝાદીમાં યોગદાન બાબતે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.
મનીષ તિવારી એ ભાજપને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “ભાજપને મારો પડકાર છે કે દેશની સ્વતંત્રતામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના યોગદાનની ચર્ચા કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે કરવા માટે આવી શકે છે.” બધુંય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે સમય અને સ્થળ ભાજપ અને અમિત શાહ પોતે પસંદ કરે. અમિત શાહના નિવેદન બાબતે કોંગ્રેસ ઉગ્ર બની ગઈ હતી અને મનીષ તિવારી એ ભાજપને કોઈપણ સમયે કોઈપણ સ્થળ પર ચર્ચા માટે આવી જાવા જણાવ્યું હતું. મનીષ તિવારી એ એ પણ જણાવ્યું હતું કે બે રાષ્ટ્રની થિયરી અંગે સૌથી પહેલા પહેલ 1935માં અમદાવાદમાં હિંદુમહાસભાના અધિવેશનમાં સાવરકરે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારણા બિલ લોકસભામાં બહુમતીના આધારે પાસ થઈ ગયું હતું. આ બિલ બાબતે વિપક્ષી પાર્ટીએ વિરોધમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત નીતીશ કુમારની પાર્ટીએ આ બીલના સમર્થનમાં મતદાન કર્યું હતું તેના માટે પાર્ટી ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર દ્વારા પાર્ટીના આ નિર્ણયની આલોચના કરવામાં આવી હતી. તો આ બિલ આજે રાજ્યસભામાં મુકવામાં આવશે અને રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવુ એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ જો સથી પક્ષો આઘાપાછા ના થાય તો ભાજપ ત્યાં પણ આસાનીથી આ બીલ પાસ કરવી શકવા હાલ સક્ષમ દેખાઈ રહી છે.
બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં આ બીલનો વિરોધ શરૂ થઈ ગઈ ગયો છે અને કેટલીક જગ્યાએ આ વિરોધે હિંસાનું સ્થાન લઈ લીધું છે. આસમમાં બીલના વિરોધમાં ઘણી જગ્યાએ આગચાંપી થઈ છે તો રસ્તા રોકો અને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ભાજપ સરકાર પર આ બીલની આડમાં દેશને ધર્મના આધારે વિભાજીત કરવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આજે ભાજપ સરકાર દ્વારા આ બીલ રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. હવે જોવું એ રહ્યું કે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શકે છે કે કેમ!?