
ગુજરાતની તમામ છ વિધાનસભાની બેઠક પર પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં 3 કોંગ્રેસ અને 3 ભાજપના ફાળે ગઈ છે. પરંતુ આ છ વિધાનસભાની પેટા ચુંટણીમાં સૌથી વધારે ચર્ચિત બેઠક હોય તો તે છે રાધનપુર બેઠક. આ બેઠક પર ઠાકોર સમાજના બની બેઠેલા આગેવાન અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર હતાં જેમણે કોંગ્રેસ માંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમની સામે કોંગ્રેસના રઘુ દેસાઈ ઉમેદવાર હતાં. આમ જોવા જઈએ તો બંને વચ્ચે સીધી લડાઈ હતી પરંતુ અપક્ષ અને એનસીપીના કારણે અલ્પેશ ઠાકોરની હારની લીડ ઘટી હતી.

રાધનપુર વિધાનસભા બેઠક પર રાધનપુરની જનતાએ જીત આપ્યા બાદ રાધનપુરના નવા ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા આભાર માનવા માટે સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો હતો અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. રાધનપુરમાં રઘુ દેસાઈ 16 વર્ષથી કાર્યરત છે. અને એક એક ઘરના લોકો તેમને જાણે છે. જાણીને નવાઈ લાગશે કે રઘુ દેસાઈએ 2017ના ગુજરાત વિધાનસભા ચુંટણીમાં અલ્પેશ ઠાકોર માટે રાધનપુર બેઠક છોડી અને ચાણસ્મા બેઠક પર ચૂંટણી લડ્યા હતાં જ્યાં તેમની હાર થઈ હતી.

એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ માં રઘુ દેસાઈ દ્વારા ઘણા ઘટસ્ફોટ કરવાંમાં આવ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક શહેનશાહ અને એક સેવક વચ્ચેની લડાઈ હતી. આ ચૂંટણીમાં પ્રજાએ અલ્પેશ ઠાકોરની 16 મહિનાની ધારાસભ્ય તરીકેની કારકિર્દી સામે 16 વર્ષની રાધનપુરની પ્રજાના સેવક તરીકેની મારી કારકિર્દી પર પસંદગી ઉતારી છે. ઠાકોર સમાજ સાથે સાથે અન્ય સમાજોના સમર્થનને કારણે જ હું ચૂંટણીમાં જીત મેળવી શક્યો છું. પ્રજાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેથી હું તેમનો આભાર માનું છું.

રઘુ દેસાઈ એ વધારે જણાવતા કહ્યું કે, મારા મત પ્રમાણે હું કોઈ એક કોમનો નહીં, પરંતુ રાધનપુરની સમગ્ર જનતાનો ઉમેદવાર હતો. તેમજ ચોક્કસ ઠાકોર સમાજની જ વાત કરું તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના કેટલાક સમર્થકો અને ઠાકોર સમાજના અન્ય આગેવાનો જેઓ કોંગ્રેસના સમર્થક હતા, તેમણે પણ આ વિજય મેળવવામાં પોતાના સમાજના ઉમેદવાર અલ્પેશના સ્થાને મારો સાથ આપ્યો હતો તે બદલ હું તેમનો આભારી રહીશ. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરના રાજકીય ઇતિહાસ પ્રમાણે રાધનપુરની જનતાએ ક્યારેય પક્ષપલટુઓને ફરીથી વિધાનસભામાં જવા દીધા નથી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો હઠાગ્રહ રાખ્યો હતો. જ્યારે રઘુ દેસાઈ આ બેઠક પરથી પોતે ચુંટણી લડવા માગતા હતા. જે અલ્પેશ ઠાકોરના હઠાગ્રહના કારણે શક્ય બની શક્યું નહીં અને રઘુ દેસાઈને રાધનપુર બેઠક છોડીને ચાણસ્મા બેઠક પરથી ચુંટણી લડવી પડી હતી જ્યાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના વિશે વાત કરતા રઘુ દેસાઈ જણાવે છે કે, કોંગ્રેસ પક્ષના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશને પગલે મારે રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોર માટે ખાલી કરવી પડી હતી. ચાણસ્મા મારી બેઠક ન હોવા છતાં પક્ષના આગ્રહને માન આપી હું ત્યાંથી ચુંટણી લડ્યો. રાધનપુરમાં મેં અલ્પેશ ઠાકોરનો વિજય સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તેમણે ચાણસ્મા બેઠક પર મને ટેકો ન આપ્યો અને તેમણે એ સમયે મને હરાવવા માટે મહેનત કરી જ્યારે હું પક્ષના આદેશને અનુસરીને તેમને જીતાડવા માટે રાત દિવસ એક કરતો હતો.

રઘુ દેસાઈ એ જણાવ્યું કે, તેમનું (અલ્પેશ ઠાકોરનું) અભિમાન, તેમનું તકસાધુપણું, પ્રજાને અવગણવાની તેમની નીતિ, પક્ષ કરતાં વ્યક્તિગત મહત્વકાંક્ષાને અગત્યનું ગણવું, તેમજ તેમનો વાણીવિલાસ, પ્રજા સાથેનું તેમનું તોછડું વર્તન વગેરે જેવાં કારણોને લીધે તેમને રાધનપુરની જનતાએ ધરાર નકારી દીધા છે. મારા મતે આ પેટાચૂંટણીમાં પણ આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ભલે રાધનપુરની જનતા વધુ ભણેલી ન હોય, પરંતુ અહીંના સ્થાનિક આગેવાનોમાં ગણતર વધુ છે. તેઓ ક્યારેય વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાના કારણે પક્ષપલટો કરનાર નેતાનો સાથ આપતા નથી.

રાધનપુર માં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય રઘુ દેસાઈ જણાવે છે કે, હું હાલ વિસ્તારમાં વ્યાપક બનેલી કેટલીક સમસ્યાઓ જેમ કે ઘરવપરાશના અને સિંચાઈના પાણીના પશ્નો, ગટર, સ્ટ્રીટલાઇટ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, રોડ-રસ્તા, વાહનવ્યવહાર વગેરે જેવાં કામો પર ધ્યાન કેન્દ્રીત કરીશ. આ સિવાય ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહીશ. તેમને ટેકાના ભાવ મળી રહે અને પોતાની ઊપજનું યોગ્ય મૂલ્ય મળી રહે એ દિશામાં કાર્ય કરીશ. તેમજ આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ વિસ્તારમાં પ્રાપ્ય બને એ માટે પ્રયત્ન કરીશ. તેમજ મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમોને વધુ મહત્ત્વ આપીશ. (એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યું માંથી)
