
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ gujaratcongress.in છેલ્લા ઘણા સમયથી વારંવાર હેક કરવામાં આવી રહી છે. હેકર્સ દ્વારા કોંગ્રેસની વેબસાઈટમાં નકારાત્મક અને અશોભનીય લખાણ મુકવા જેવી હરકતો કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે.
જેને લઈને ગુજરાત કોંગ્રેસના સોશિયલ મિડિયા અને કમ્યુનિકેશન વિભાગ દ્વારા આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે.ઇન્ફર્મેશન એક્ટ ૪૩, ૬૫, ૬૬, ૬૬ (A), ૬૬ (ઈ) અન્વયે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર હેમાંગ રાવલ દ્વારા જણાવાયું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો સારો એવો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેથી અન્ય હિતશત્રુઓ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને જાણીજોઈને નુકસાન – બદનામ કરી કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તેવા ઈરાદાથી અમારી વેબસાઈટનું હેકિંગ કરાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક થયા બાદ ભાજપ તરફી ટ્રોલ તેમજ એક બનાવટી સમાચાર વેબસાઈટ દ્વારા આ બાબત વાયરલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ પણ અમુક ભાજપ તરફી વેબસાઈટ્સ દ્વારા આ સ્ક્રિનશોટ વાયરલ કરવામાં આવ્યા હતાં.

જો કે કોંગ્રેસ દ્વારા આ અંગે આકરું વલણ દર્શાવવામાં આવ્યું છે, ટેકનિકલ રીતે હેકર્સને શોધવા શક્ય હોવાથી અને શોધી લેવાય ત્યારબાદ કાયદાકીય રીતે લડી લેવાની તૈયારી દાખવવામાં આવી છે.
કોઇપણ વેબસાઈટ હેક કરવી અને તેની માહિતીમાં બદનામી થાય તેવી છેડછાડ કરવી ઇન્ફર્મેશન એક્ટ અનુસાર ગુન્હો ગણવામાં આવે છે. તેવામાં આતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એટલે કે એક રાજકીય પક્ષની વેબસાઈટ હેક કરવામાં આવેલી છે, ત્યારે રાજકીય રીતે બદઈરાદા ધરાવનાર વ્યક્તિ અને કોંગ્રેસને બદનામ કરીને રાજકીય લાભ લેવા માંગનાર તત્વોની જ આ હરકત હોય.

આ હેકિંગમાં સંડોવાયેલા તત્વોને શોધી પાડીને તેવો કયા ઈરાદા સાથે કરવા માંગે છે તે કબુલાવી તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા કડકમાં કડક સજા કરાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે જેથી આવી પડદા પાછળ છુપાઈને રાજકીય ષડ્યંત્ર પાર પાડવાની હરકતો આગળ ક્યારેય કરવામાં ના આવે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયબર ક્રાઈમ ખુબજ સક્રિય હોવાથી જલ્દીથી આવા તત્વોની ઓળખાણ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામ આવશે તેવી ખાતરી પણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેંટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ફરી આવી હરકત કરનારને બક્ષવામાં નહિ આવે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામ આવશે.