ભારતની નવી લોકશાહી: શૈક્ષણિક ચર્ચા પર રોક! – પ્રો. આત્મન શાહ

દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બનેલી થોડીક ઘટનાઓ ઉપર નજર નાંખીએ:
પ્રો. રામ પુનિયાની દેશની ખૂબ જ જાણીતી સંસ્થા આઇ.આઇ.ટી. મુંબઈમાં અધ્યાપક હતાં અને તેમની પોતાની YouTube ચેનલ પણ છે કે જેની ઉપર તેઓ દેશની વર્તમાન સમસ્યાઓને લગતા પ્રશ્નો અંગે પોતાનો અભિપ્રાય આપે છે. તેઓ તેમની ચેનલ ઉપર વિવિધ પ્રકારના વિડીયો મૂકે છે કે જે તાર્કિક વિચારો સાથે સંકળાયેલા હોય છે અને આથી તેમને ફોન ઉપર ધમકી આપવામાં આવી.

આવા જ પ્રકારની એક ઘટના અમદાવાદમાં પણ બની. દેશના ખૂબ જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટિ સાથે જોડવાના હતા પરંતુ કેટલાક લોકોના વિરોધના કારણે તેઓ જોડાઈ શક્ય નહીં. એ બાબત સૌ જાણે છે કે તેઓ પોતે તાર્કિક વિચાર ધરાવનારા અને વર્તમાન સરકારના વિવેચક રહ્યા છે. તેમની twitter postમાં તેમણે લખ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં તેમના વિચારો જીવતા રહે.
અમદાવાદની જ બીજી એક ઘટના છે કે જેમાં શહેરની જાણીતી કોલેજ એચ.કે. આર્ટ્સમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જિગ્નેશ મેવાણીને એક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને આથી કેટલાક વિદ્યાર્થી નેતેઓએ તેનો વાંધો ઉઠાવ્યો હતો. કોલેજના ટ્રસ્ટે હોલ આપવાની ના પાડતાં તે સમયના આચાર્ય પ્રો. હેમંતકુમાર શાહે રાજીનામું આપ્યું હતું.

મુંબઈમાં ‘અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સમ્મેલન’ યોજાયું હતું કે જેમાં પંડિત જવાહરલાલ નહેરૂના ભાણી નયનતારા સહગલને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેનો કેટલાક રાજકીય પક્ષો દ્વારા વિરોધ થતાં તેમનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.
આ તમામ બાબતો દર્શાવે છે કે દેશમાં કઈ હદે ચર્ચા અને વિરોધી વિચારધારાને જુદી જુદી રીતે દબાવવામાં આવે છે. આવા તો ઘણા કિસ્સાઓ યાદીમાં ઉમેરી શકાય તેમ છે. પ્રશ્ન અહીં માત્ર એ જ છે કે દેશમાં ખૂબ જ ઝડપથી ચર્ચા માટેની જગ્યાઓ તેમજ માનસિક ક્ષમતા ખતમ થઈ રહી છે અથવા તો તેને જાણી જોઈને નાબૂદ કરવામાં આવી રહી છે.

લોકશાહીમાં ચર્ચા અને વિરોધી વિચારધારાને વાચા મળે અને લોકો પોતાની વાત અથવા તો પોતાના વિચારો બીજા સુધી પંહોચાડે તે લોકશાહીની મજબૂતાઈ માટે જરૂરી છે. લોકશાહી મજબૂત રાખવામા ત્રણ સ્તરે ચર્ચાઓ અને વિરોધ થવો જરૂરી છે.
પહેલું સ્તર છે તે છે કે જે લોકો સમસ્યાનો બોગ બને છે. જેમ કે આદિવાસી લોકોની જમીનના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય વગેરે. આ સ્તરે વિરોધ થાય અને તે સરકાર સુધી પહોંચે તે આવશ્યક છે.
બીજું સ્તર છે તે છે દેશના મધ્યમ વર્ગના લોકો કે જે કેટલીક સમસ્યાઓ સાથે સીધા જ સંકળાયેલા નથી. જેમ કે જો આદિવાસીઓના જમીનના પ્રશ્નો હોય કે પછી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળતા હોય તે પ્રશ્ન હોય તેમાં દેશના મધ્યમ વર્ગના લોકો સીધી જ રીતે સંકળાયેલા નથી. આથી સામાની રીતે તેમનામાં આ પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાય તે ખૂબ જ જરૂરી છે.
ત્રીજું સ્તર છે તે છે શૈક્ષણિક સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થાઓનું મુખ્ય કામ જ વિદ્યાર્થીઓને ને વિચારતા કરવાના છે. વિદ્યાર્થીઓએ સુધી જુદી જુદી સંસ્કૃતિ, જુદા જુદા ધર્મના વિચારો, વિવિધ રાજકીય તેમજ આર્થિક વિચારો વાંચતાં અને સમજતા થાય તે એક મજબૂત લોકશાહી માટે ખૂબ જ મહત્વની બાબત છે. વિદ્યાર્થી ભાવનામાં વહી જઈને વિચારે તે કરતાં વધારે મહત્વનુ છે કે તે તાર્કિક રીતે વિચારે.
સમાન્ય રીતે તમામ દેશની સરકારો એવાં પ્રયત્નો કરે છે કે જેથી ત્યાની પ્રજા તાર્કિક વિચારો કરવાનું બંધ કરે અને ધર્મ, ભાષા, જાતિ કે પછી બીજી કોઈ પણ બાબતને ધારણાં રાખીને લાગણીશીલ વિચારોના આધારે નિર્ણયો લે. જો માણસ તાર્કિક વિચારતો થશે તો જ તે બંધારણીય અધિકારો, માનવ અધિકારો તેમજ બીજાને થતાં અન્યાય માટે લડી શકશે અને જો ન લડે તો તે માટે સંવેદનશીલ બનશે.
વર્તમાન સરકાર વારંવાર એવાં પ્રયત્નો કરે છે કે જેથી દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા થાય તેવો માહોલ ન બને અને શામ, દામ, દંડ અને ભેદ દ્વારા સમાન્ય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોમાં ભયનો માહોલ બન્યો રહે તેવી નીતિ અપનાવી રહી છે.
શક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા લોકશાહી ટકાવી રાખવા મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી માણસ વિચારતો નહીં થાય ત્યાં સુધી સાચી લોકશાહી સ્થાપી શકશે નહીં. માણસ જાત અન્ય પ્રજાતિઓ કરતાં જુદી છે કારણ કે પોતાના વિચારો માટે તર્ક રજૂ કરી શકે છે. માત્ર વિચાચવું મહત્વનુ નથી પરંતુ તર્ક સંગત વિચારણા તેના કરતાં વધારે આવશ્યક છે.
વર્તમાન સરકાર અને તેની સાથે સંકળાયેલા લોકો કોઈ પણ રીતે દેશમાં ચર્ચાનો કે પછી વિરોધનો માહોલ ઊભો થવા દેવા માંગતા નથી અને જો કોઈ તે માહોલ ઊભો કરે અથવા તો તે કરવાનો પ્રયત્ન કરે તો તેને રાષ્ટ્રદ્રોહી, હિન્દુ વિરોધી કે પછી અર્બન નક્સલ છે તેવું જાહેર કરવામાં આવે છે. દેશમાં યોગ્ય મુદ્દાઓ જેવા કે ગરીબી, બેકારી, પાક વીમો વગેરે ઉપર ચર્ચા થાય તેના કરતાં દેશ કેટલો મજબૂત છે (ખાસ કરીને પાકિસ્તાનને હરાવી શકે છે કે નહીં!!!) તે દિશામાં ચર્ચા વાળી દેવામાં આવે છે અને અને અમુક ચોક્કસ વર્ગ તેમાં ખુશ પણ થાય છે.
આ ફાસીવાદી વિચારધારા સમગ્ર દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે અને તેની સાથે તેની સાથે fake newsનો જે રાફડો ફાટયો છે તેમાં શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી ખૂબ જ વધે છે અને સમાજમાં ચર્ચા અને વિરોધનો માહોલ બન્યો રહે તે કામ પણ આ સંસ્થાઓ એ જ કરવાનું છે. દેશની ખૂબ જ જાણીતી યુનિવર્સિટી જે.એન.યુ.માં તોપ મૂકવી જોઈએ તેવો પ્રસ્તાવ ત્યારના કુલપતિ એ કર્યો હતો અને જેનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે તે હતો.

અહીં એ બાબત અગત્યની છે કે રાષ્ટ્રપ્રેમ માત્ર દેશના સૈનિકમાં જ છે કે તેને આપેલા બલિદાનમા જ છે તેવું સમજવા કરતાં દેશનો ખેડૂત, મજૂર અને બધાં જ રાષ્ટ્રપ્રેમી છે તે સમજવું આવશ્યક છે. જો તોપ મૂકવાનો પ્રસ્તવા કરવામાં આવે તો પછી બળદગાડી અને ટ્રેકટર પણ મુકાવો કે જે ખેડૂતના બલિદાનનું પ્રતિક છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ તોપ જોઈને વધે અથવા વધારવામાં આવે તેના કરતાં સંસ્થાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ માટે ચર્ચાનો માહોલ ઊભો થાય અને કોઈ પણ પ્રકારની હિંસા વગર વિરોધી વિચાર સાંભળી તેમજ સમજી શકીએ અને તેના ઉપર ચર્ચા કરી શકીએ તો કદાચ વધારે સારા ભારતનું નિર્માણ થશે.
વિશ્વમાં સાહિત્ય, સામાજિક વિજ્ઞાન, ભાષાઓ વેગેરે સાથે સંકળાયેલા વિષયો જળવાય અને તેની ઉપર સતત ચર્ચા વિચારણા થાય તે ખૂબ જ આવશ્યક છે તેમજ વિજ્ઞાન અને હિન્દુ સંસ્કૃતિને સંપૂર્ણ પણે જુદી રાખી તાર્કિક વિચારશક્તિને મહત્વ આપીશું તો દેશની લોકશાહી વધુ મજબૂત બનશે.
પ્રો. આત્મન શાહ
અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
atman.shah@sxca.edu.in