
ગુજરાતમાં પેટા ચુંટણી ની જાહેરાત થઈ ગઈ છે આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે અને 30 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ દ્વારા હજુ સુંધી ઉમેદવારોના નામ જાહેર નથી કરવામાં આવ્યા એટલે બંને પાર્ટીમાં આ મુદ્દે ઘમાસાન ચાલી રહ્યું છે એ નક્કી છે કોંગ્રેસમાં તો ઘમાસાણ કરનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને નેતાઓ ભાજપમાં જતા રહ્યાં છે એટલે કોંગ્રેસમાં ઘમાસાણ કરનાર કોઈ નથી એટલે મદહદ અંશે કોંગ્રેસમાં વિરોધનો વંટોળ નથી પરંતુ ભાજપમાં ઘમાસાણ અને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ પેટા ચુંટણી ને લઈને ઉમેદવારના નામની જાહેરાત આજ એટલે કે ૨૮ સપ્ટેમ્બરના રોજ કરે તેવી શક્યતા છે. જેમાં વધારે વિરોધ બાયડ અને રાધનપુર સીટ પર છે. ભાજપે આપેલા કમિટમેન્ટ મુજબ રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર તો બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપશે તે લગભગ લગભગ નક્કી છે અને સોસીયલ મીડિયામાં ફરતાં મેસેજ પ્રમાણે આ બંને નેતાઓ ૩૦ તારીખે ઉમેદવારી પત્ર પણ ભરશે. બંને નેતાઓના ફોટા સાથેના બેનરો પણ સોશિયલ મીડિયામાં ફરતાં કરવામાં આવ્યા છે.

પેટા ચુંટણી ની 6 બેઠક પૈકીની બે બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા પર ટિકિટ ફાળવવામાં આવશે તેવું કમિટમેન્ટ આપ્યું હોય તેમ ભાજપે કમીટમેન્ટ પૂર્ણ કરતા ટિકિટ ફાળવવાનું મન બનાવી લીધું છે. તો આ બેઠક પર ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આમ તો બંને સીટ પર હાલ વિરોધનો વંટોળ છે. તો વિદ્રોહનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ રાધનપુરમાં અલ્પેશને ઘરભેગો કરવા માટે કોંગ્રેસે જબરદસ્ત તૈયારી કરી છે. અને તમામ જવાબદારી ગેનીબેન ઠાકોરને સોંપાઈ હોય તેવું મનાઈ રહ્યું છે. અને આ ચુંટણીને લઈને ગેનીબેન દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ બાયડ બેઠક પર પણ વિરોધ અને વિદ્રોહનો માહોલ સર્જાયો છે. ગત વિધાનસભાના ભાજપ ઉમેદવાર અદેસિંહ ચૌહાણે ટિકિટની માંગણી કરી છે અને ધવસિંહના નામ સામે વાંધો જતાવ્યો છે. ધવલસિંહનો વિરોધ કરીને અદેસિંહ ચૌહાણે પોતાની પાર્ટી સામે જ બાંયો ચડાવી છે. ભાજપમાં આ બે બેઠકો માથાના દુખાવા સમાન બની જવા પામી છે. ભાજપ એક બાજુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કમિટમેન્ટ આપી ચૂક્યું છે ત્યારે પાર્ટી કાર્યકરોમાં નારાજગી છે. અને સાથે સાથે અલ્પેશ ઠાકોરનો તો તેના સમાજમાં પણ વિરોધ છે. જે ઠાકોર સેના દ્વાર અલ્પેશ રાજનીતિના પગથિયાં ચડ્યો એજ ઠાકોર સેના દ્વારા તેની સામે અપક્ષ ઉમેદવારની જાહેરાત કરી છે.

આ 6 બેઠક પરની પેટા ચુંટણી ને હવે એક મહિના જેટલો સમય પણ બાકી નથી રહ્યો ત્યારે ભાજપમાં ઘમાસાણ છે. તો બંને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામની જાહેરાત પણ નથી કરવામાં આવી. ભાજપની તો પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પણ મળી ચુકી છે છતાં નામો હજી જાહેર થયા નથી. પરંતુ શ્રાદ્ધ પક્ષ ચાલતું હોવાનું પણ એક કારણ હોઈ શકે છે. શ્રાદ્ધ પક્ષમાં કોઈ ફોર્મ ભરે નહીં એટલે હવે નવરાત્રીના પ્રથમ નોરતે જ બંને પાર્ટીઓના નામ જાહેર થાય અને ફોર્મ ભરવામ આવશે તેવું લાગી રહયું છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ આજે નામ જાહેર કરી શકે છે.

અલ્પેશ ઠાકોર 30 તારીખે ફોર્મ ભરશે અને તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા હાજરી આપી શકે છે. હજી સુધી આ બાબતે સત્તાવાર જાહેર થઇ નથી. પરંતુ આજ સાંજ સુધીમાં આ નામો જાહેર થવાની પુરે પૂરી શક્યતા છે. સુત્રો પ્રમાણે બાયડ બેઠક પર અદેસિંહ ચૌહાણ કે જે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા તેમણે ભાજપ સામે જ બાંયો ચઢાવી છે. અદેસિંહ ચૌહાણ એનસીપી નેતા અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સાથે મળ્યા હતા અને બેઠક કરી હતી. જેથી રાજકીય ગરમાગરમી આવી ગઈ છે.