સુરત ના જકાતનાકા વિસ્તારમાં ચાલતા એક ટ્યુશન કલાસીસમાં આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ૨૦ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ જઘન્ય ઘટના બાદ સુરત સમેત સમગ્ર ગુજરાતમાં પીડિતો અને તેમના પરિવારો માટે સાંત્વના સાથે સાથે સરકાર અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક પગલા ભરવા લોકોએ માંગણી કરી હતી.
સુરત માં બનેલી આ આગની ઘટના એટલી જઘન્ય હતી કે આખાય દેશમાંથી પીડિતો અને તેમના પરિવારને સાત્વના ભર્યા સંદેશાઓ આવતા હતા. મુખ્યમંત્રી અને સાથે સાથે વિપક્ષ નેતાઓ પણ બનાવના સ્થળે પહોચી ગયા હતા અને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી.
પરંતુ ઘટનાને ૨૪ કલાક કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ ખાસ કામગીરી કરવામાં ના આવતા પાટીદાર અનામત આંદોલનના ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી અને તંત્રને ખરી ખોટી સંભાળવવામાં આવી હતી.
મુખ્યમંત્રી દ્વારા રાહત કાર્ય શરુ કરવામાં આવ્યું હતું અને પીડિત પરિવારને પણ ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જવાબદાર તંત્ર સામે પગલા લેવાની લોકમાંગણી સામે સરકારે રસ ના દાખવતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશ ધનાણી અને હાર્દિક પટેલ ધુંઆપુંઆ થઇ ગયા હતા.
હાર્દિક પટેલ દ્વારા સોસીયલ મીડિયા માધ્યમ ટ્વીટર દ્વારા ટ્વીટ કરીને સરકારી તંત્ર સામે પોતાની વ્યથા ઠાલવી હતી હાર્દિકે જણાવ્યું હતું કે, “સુરતમાં 24 કલાકની આગ ઘટના પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી ભાજપના વિજયોત્સવમાં વ્યસ્ત છે, રાજ્યના મુખ્યમંત્રી અને સુરતના મેયરને નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપવું જોઈએ. ફૂલ જેવા માસુમ બાળકોની વહીવટી તંત્ર એ હત્યા કરી છે.”
હાર્દિક પટેલ દ્વારા વહીવટ તંત્રની બેદરકારી જોતા તેને હત્યારું કહી દેવામાં આવ્યું છે. તેમને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સુરતના મેયરનું રાજીનામું માંગી લીધું હતું. આ ઉપરાંત ઘટના બન્યા બાદ હાર્દિકે અપીલ કરી હતી કે, સુરતમાં તમામ કોંગ્રેસ કાર્યકરો અને સામાજિક સંગઠનોને એક અપીલ કરું છું કે, સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સ બિલ્ડિંગમાં લાગેલ આગમાં ઇજાગ્રસ્ત લોકોના પરિવારોની મદદ માટે આગળ આવો. તન, મન, ધનથી જેટલી મદદ તમે કરી શકો તે કરો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી સૂતર માં ચાર માળ સુધી પહોંચી શકવા માટે ફાયર બ્રિગેડ પાસે સીડી નથી. આગ લાગ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડ ફોન કરવામાં આવ્યો હતો પરંતુ પોણા કલાક પછી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યા. ફૂલ જેવા નાના બાળકોના મોતના જવાબદાર કોણ? આજે ઘણું દુઃખ થયું બાળકોના અરમાન તૂટી ગયા.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતના જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લગતા વિદ્યાર્થીઓમાં નાસ ભાગ મચી હતી જેમાંથી કેટલાકે બચવા માટે બારી માંથી છલાંગ લગાવી હતી. આ અગ્નિકાંડમાં ૨૦ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા.