
રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો, છ વાર ધારાસભ્ય રહેલા ઘનશ્યામ તિવારીએ પાર્ટી છોડી. કટોકટી લાગુ થવાના દિવસે રાજીનામુ આપતા ઘનશ્યામ તિવારી એ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી દેશ માં કટોકટી જેવો જ માહોલ છે.
ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે, આવનારી વિધાનસભા ચુંટણીમાં ‘ભારત વાહીની પાર્ટી’ માંથી ચુંટણી લડશે જેના સંસ્થાપક તેમના પુત્ર અખિલેશ તિવારી છે.
ઘનશ્યામ તિવારીએ જાહેરાત કરી કે, પોતે પોતાની વર્તમાન સીટ સાંગાનેરથી જ ચુંટણી લડશે અને ‘ભારત વાહીની પાર્ટી’ રાજ્યની 200 વિધાનસભા સીટ પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારશે.

ભાજપમાંથી રાજીનામું આપતા તિવારીએ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પ્રધાનમંત્રી મોદી પર કેટલાય ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “મુખ્યમંત્રી વસુંધરા રાજે અને રાજ્ય સરકાર ખુલીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મેં ઘણીવાર પાર્ટીના મોવડી મંડળને જાણ કરી પણ કોઈ કાર્યવાહી કરવાની બદલે એમને પ્રોત્સાહન આપી રહ્યા છે, પાર્ટીના મોવડીમંડળની જ દેખરેખ હેઠળ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર અને લૂંટ કરી રહી છે.”
વધુમાં તિવારી એ જણાવ્યું કે, “રાજસ્થાનની જનતાએ ભાજપ પર ભરોસો કરીને પ્રચંડ બહુમતથી રાજ્યની કમાન સોંપી હતી એટલુંજ નહીં રાજ્યની જનતાએ પણ ભાજપ પર ભરોસો કરીને 25 લોકસભા સીટો આપી હતી પરંતુ આજે એજ જનતા પોતાને છેતરાયાં હોવાનું અનુભવે છે, આજે દરેક સમાજનો હેરાન પરેશાન છે પણ કોઈ સાંભળવા વાળું નથી.”
અંતમાં તિવારીએ જણાવ્યું કે, “દેશમાં છેલ્લા ચાર વર્ષથી અઘોષિત કટોકટી લાગુ થયેલી છે. આ કટોકટી વાસ્તવિક કટોકટી કરતા વધુ ખતરનાક છે. મેં બન્ને તબક્કા જોયા છે અને આવા અન્યાય વિરુદ્ધ લડવા મે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. સત્તાની લાલચમાં કોઈપણ લોકશાહીનું ગળું ના દબાવી શકે.”